આ સપ્તાહે આઈપીએલ 2022 ઉપર ભવ્ય સમાપન સમારંભ સાથે પૂર્ણાહુતિનો પડદો પડી જશે. આ વર્ષની ટુર્નામેન્ટની શરૂઆતથી જ એક પેટર્ન ઉભરી આવી હતી અને તે વચ્ચે થોડા ઉતાર-ચડાવ છતાં આખરે છેક સુધી યથાવત રહી હતી. લીગમાં આ જ વર્ષે નવી જોડાયેલી બે ટીમ – ગુજરાત અને લખનૌ પ્લે ઓફ્સમાં પહોંચી ગઈ છે, તો વિતેલા વર્ષોની બે માંધાતા ટીમ – મુંબઈ અને ચેન્નઈ લીગ સ્ટેજમાં તળિયે રહી પ્લે ઓફ્સમાંથી બહાર ફેંકાઈ ગઈ છે.
મંગળવારે પહેલો જંગ – ક્વોલિફાયર વન ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રમાશે, તો બુધવારે લખનૌ અને બેંગલોર વચ્ચે એલિમિનેટર મુકાબલો રમાશે. ગુરૂવારના વિરામ પછી શુક્રવારે ક્વોલિફાયર ટુ મુકાબલો રમાશે અને રવિવારે (29 મે) ફાઈનલ રમાશે. ક્વોલિફાયર વન મેચની વિજેતા ટીમ સીધી ફાઈનલમાં જશે, જ્યારે હારેલી ટીમને ક્વોલિફાયર ટુમાં ફરીથી મુકાબલો કરી ફાઈનલમાં પહોંચવાની તક મળશે. એલિમિનેટર મુકાબલાની હારેલી ટીમ સીધી બહાર થઈ જશે, તો વિજેતા ટીમને ક્વોલિફાયર ટુમાં ફરીથી તક મળશે. ક્વોલિફાયર ટુની વિજેતા ટીમ ફાઈનલમાં ક્વોલિફાયર વનની વિજેતા સામે ટાઈટલ માટેની સ્પર્ધામાં રહેશે.
રવિવારે (22 મે) રમાઈ ગયેલી છેલ્લી લીગ મેચના અંતિમ ચિત્ર ઉપર તો કોઈ અસર પડવાની હતી નહીં, પણ એમાં પંજાબે હૈદરાબાદને પાંચ વિકેટે હરાવી પોતાના એકંદર દેખાવમાં કઈંક સંતોષકારક સુધારો કર્યો હતો. પંજાબ એકંદરે પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું.
હૈદરાબાદે આ મેચમાં ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો અને ટીમ 8 વિકેટે ફક્ત 157 રન કરી શકી હતી. અભિષેક શર્માના 43, રોમારીઓ શેફર્ડના 26 અને વોશિંગ્ટન સુંદરના 25 રન મુખ્ય રહ્યા હતા, તો પંજાબના હરપ્રીત બ્રાર અને નાથન એલિસે 3-3 વિકેટ લીધી હતી.
જવાબમાં પંજાબે આક્રમક બેટિંગ કરી 15.1 ઓવર્સમાં જ 5 વિકેટે 160 રન કરી પોતાનો અંતિમ વિજય નોંધાવ્યો હતો. લિવિંગ્સટનના અણનમ 49 અને શિખર ધવનના 39 મુખ્ય રહ્યા હતા, તો હૈદરાબાદના ફારૂકીએ બે તથા સુંદર, સુચિત અને ઉમરાન મલિકે એક-એક વિકેટ લીધી હતી. ચાર ઓવરમાં 26 રન આપી ત્રણ વિકેટ લેવા બદલ પંજાબના બ્રારને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.