અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવાર, 31 માર્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નો રંગારંગ પ્રારંભ થશે. ઓપનિંગ સેરેમનીમાં રશ્મિકા મંદના, તમન્ના ભાટિયા અને અરિજિત સિંહ દર્શકોનું મનોરંજન કરવા સજ્જ બન્યાં છે.
ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની વિશ્વની સૌથી લોકપ્રિય તથા ધનાઢ્ય લીગની પ્રથમ મેચમાં શુક્રવાર હાલની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચાર વખત ચેમ્પિયન રહી ચૂકેલી ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થશે. ક્રિકેટના સૌથી મોટા મહોત્સવમાં 12 શહેરોમાં કુલ 74 મેચ રમાશે અને 28મી મેએ આ જ મેદાન પર ફાઇનલ રમાશે. શુક્રવારે રમાનારી મેચનું સાંજે 7.30 કલાકે પ્રસારણ થશે.
છેલ્લા 15 વર્ષમાં મેગા સ્ટાર ધોની, રોહિત શર્મા તથા વિરાટ કોહલી આઇપીએલને લોકપ્રિય બનાવવામાં મહત્વના ખેલાડી બની રહ્યા છે. આઇપીએલ તેના 16મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે તેમા દર વખતે કાંઇકને કાંઇક નવતર પ્રયોગો થતા રહે છે. આ વખતે ટીવી વિરુદ્ધ ડિજિટલનું યુદ્ધ પણ શરૂ થઈ ગયું છે જેમાં બે જાયન્ટ સામસામે આવી ગયા છે. એક તરફ સ્ટાર સ્પોર્ટ્સ જૂથ છે તો બીજીતરફ ડિજિટલમાં રિલાયન્સનું જીયો સિનેમા છે. બંનેએ તમામ ભાષામાં પ્રસારણ કરવા માટે ચુનંદા કોમેન્ટેટર પોતાની સાથે રાખ્યા છે. આમ આગામી બે મહિના દરમિયાન કરોડો લોકો આ બે પ્લેટફોર્મ પરથી મેચો નિહાળશે.
ક્રિકેટ ચાહકોનું ધ્યાન માત્ર ક્રિકેટરો પર અને મેદાન પર જ રહેશે. સૌ પોતપોતાના ફેવરિટ ક્રિકેટરના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ખેલાડીઓમાં ધોની, રોહિત, કોહલી ઉપરાંત હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ તથા વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. 42 વર્ષની નજીક પહોંચેલો ધોની સૌથી લોકપ્રિય છે. ચેન્નાઈની યલો ટી શર્ટમાં ધોનીની આ છેલ્લી સિઝન છે પણ ખુદ ધોનીએ આ અંગે કાંઇ કહ્યું નથી અને અગાઉ સમગ્ર કારકિર્દી દરમિયાન ધોનીએ પોતાના નિર્ણયોની ઓચિંતી જ જાહેરાત કરી છે.
ધોનીની ટીમ પાસેથી આ વખતે પાંચમા ટાઇટલની અપેક્ષા રખાય છે. જોકે 2022માં તેઓ પ્લે ઓફ સુધી પણ પહોંચી શક્યા ન હતા. આ વખતે તે મુંબઈ ઇન્ડિયન્સના પાંચ ટાઇટલનો રેકોર્ડ સરભર કરવાનું પસંદ કરશો.
રોહિત શર્મા વિશે વાત કરીએ તો મુંબઈએ પણ આ વખતે ચમત્કાર કરવો પડશે કેમ કે ગઈ સિઝનાં તેઓ પણ પ્લે ઓફ સુધી પહોંચી શક્યા ન હતા. આમ છતાં તે આઇપીએલમાં સૌથી સફળ સુકાની છે અને દરેક ટીમ મુંબઈ ઇન્ડિયન્સ માટે અલગ જ યોજના ધરાવતી હશે. શુક્રવારે પણ મુંબઈને હરાવવું આસાન નહીં રહે. મુંબઈને જસપ્રિત બુમરાહની ગેરહાજરી સાલશે, પરંતુ ઇંગ્લેન્ડનો જોફરા આર્ચર થોડે અંશે તે ભરપાઈ કરી શકે તેમ છે. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવ વન-ડેમાં ભલે નિષ્ફળ રહ્યો પરંતુ ટી20માં તે આજેય સૌથી ખતરનાક બેટ્સમેન છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ હંમેશાં મજબૂત રહી છે પરંતુ તેની કમનસીબી એ રહી છે કે તે ક્યારેય ચેમ્પિયન બની શકી નથી. કપ્તાનીના દબાણમાંથી મુક્ત થયા બાદ વિરાટ કોહલી આ વખતે માત્ર બેટિંગ પર નજર રાખીને ટીમને યોગદાન આપવાનો પ્રયાસ કરશે. જોકે સૌથી મોટું આકર્ષણ હાર્દિક પંડ્યાની ગુજરાતની ટીમ રહેશે.