ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ૨૦૨૧ની શરૂઆત ૯મી એપ્રિલથી થશે. પ્રથમ મેચ ચેન્નઇમાં મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. જ્યારે ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. કાર્યક્રમ અનુસાર, મેચ અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઇ, દિલ્હી, મુંબઇ અને કોલકાતામાં રમાશે. આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલે રવિવારે આ વર્ષે રમાનારી ટુર્નામેન્ટનું સમયપત્રક જાહેર કર્યું હતું. લગભગ 2 વર્ષ પછી IPL ભારતમાં રમાશે.
લીગમાં કુલ ૫૬ મેચ રમાશે. જેમાં મુંબઇ, ચેન્નઇ, કોલકાતા અને બેંગલુરુમાં ૧૦-૧૦ અને અમદાવાદ, દિલ્હીમાં ૮-૮ મેચ રમાશે. તમામ મેચ તટસ્થ સ્થળે રમાશે અને કોઇપણ ટીમ પોતાના ઘરેલુ ગ્રાઉન્ડ પર નહીં રમે. આઇપીએલ ૨૦૨૧માં કુલ ૧૧ ડબલ હેડર હશે. જેમાં બપોરની મેચ ૩.૩૦ કલાકે શરૂ થશે અને સાંજની મેચ ૭.૩૦ કલાકે શરૂ થશે. બીસીસીઆઇ તરફથી આઇપીએલ માટે મીડિયા એડવાયઝરી જાહેર કરવામાં આવી છે. જે પ્રમાણે, દરેક ટીમ ચાર સ્થળે રમશે.
જો કે, હાલ બીસીસીઆઇએ આગામી આઇપીએલ ૨૦૨૧ને ફેન્સ વગર યોજવાનું નક્કી કર્યું છે. જો કે, કોરોનાની સ્થિતિનું આકલન કર્યા બાદ આ નિર્ણયમાં ફેરફાર પણ થઇ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી ટુર્નામેન્ટના સ્થળ અંગે વિવાદ વધતો જોવા મળી રહ્યો છે. અગાઉ જાણવા મળ્યું હતું કે, બીસીસીઆઇ અમદાવાદ, કોલકાતા, દિલ્હી, બેંગલુરુ, ચેન્નઇ અને મુંબઇ અંગે વિચાર કરી રહી છે. ત્યારથી જ આને લઇને વિવાદ વધ્યો હતો. આ અંગે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ તરફથી નારાજગી પણ વ્યક્ત કરાઇ હતી. વેન્યૂને લઇને વિવાદ અંગે અત્યાર સુધી બીસીસીઆઇ મૌન છે.