19 સપ્ટેમ્બરથી ચાલુ થઈ રહેલી આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટની તૈયારીની દેખરેખ રાખવા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી બુધવારે દુબઈ જવા માટે રવાનો થયો હતો.
આઇપીએલ ટુર્નામેન્ટની હાલની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટીમે આ ટી-20 કપની પ્રથમ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે ટકરાશે. ભારતમાં કોરોના વાઇરસના કેસોમાં વધારાને કારણે આ ટુર્નામેન્ટને યુએઇમાં ખસેડવામાં આવી છે. ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપને મોકૂફ રાખવામાં આવ્યા બાદ BCCI આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. આ ટુર્નામેન્ટનું આયોજન સામાન્ય રીતે એપ્રિલ-મેમાં થાય છે પરંતુ કોરોના વાઇરસને કારણે તેને મોકૂફ રાખવામાં આવી હતી. હવે તે ભારતની જગ્યાએ યુએઇમાં રમાશે તથા દુબઈ, શારજહા અને અબુ ધાબીમાં મેચ રમાશે.આ ટર્નામેન્ટનું આયોજન ન થયું હોત તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને આશરે 4,000 કરોડનું નુકસાન થયું હોત.
આઇપીએલના ચેરમેન બ્રિજેશ પટેલ સહિતના મહત્ત્વના અધિકારીઓ હાલ દુબઈમાં છે.
આ ટુર્નામેન્ટ માટે આરોગ્યના કડક નિયમો બનાવવામાં આવ્યા છે. આમ છતાં કેટલાંક ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ચેન્નાઇ સુપર કિંગ્સના 13 સભ્યો અસરગ્રસ્ત થયા છે અને તેના બે ખેલાડીઓ ક્વોરેન્ટિન હેઠળ છે. ક્રિકેટ લીગમાં દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી મળશે નહીં. જોકે કોરોના વાઇરસની સ્થિતિની સમીક્ષા પછી પછીના તબક્કે મર્યાદિત સંખ્યામાં દર્શકોને મંજૂરી મળવાની ધારણા છે.