રાજસ્થાન રોયલ્સ ટીમની બસ કોલકતાની બહાર સિટી હોટેલ નજીક પાર્ક કરવામાં આવેલી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની ગવર્નિંગ કાઉન્સિલ અને બીસીસીઆઇએ ઇમર્જન્સી બેઠકમાં આઇપીએલ 2021ની સિઝન તાકીદની અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો. (PTI Photo/Swapan Mahapatra)

લોકોની ભારે ટીકા છતાં ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા બાયો-બબલના મસ મોટા દાવાઓ સાથે શરૂ કરવામાં આવેલી તમાશા ક્રિકેટ સ્પર્ધા તરીકે વગોવાયેલી આઈપીએલ 2021 અધવચ્ચેથી પડતી મુકવાની ફરજ પડી છે. સોમવારે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ પડતી મુકવી પડી હતી અને એ પછી સોમવારે જ વધુને વધુ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ તેમજ ટીમ્સ કોરોનાથી ચેપગ્રસ્ત અને ભયભીત થતાં મંગળવારે આઈપીએલ પડતી મુકવાની જાહેરાત કરવાની ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને ફરજ પડી હતી.

સોમવારે સનરાઈઝર્સ હૈદરાબાદનો રિધિમાન સહા કોરોના પોઝિટિવ આવ્યાનું જાહેર થતાં સમગ્ર ટીમને ક્વોરેન્ટાઈન થવાની ફરજ પડે તેવી સ્થિતિ ઉભી થઈ હતી. તે ઉપરાંત, એક અગ્રણી ફ્રેન્ચાઈઝ (તે ચેન્નાઈ સુપર કિંગ્સ હોવાનું મનાય છે) તેણે તો ક્રિકેટ બોર્ડને સાફ કહી દીધું હતું કે, તે હવે સ્પર્ધામાં ભાગ લેવા તૈયાર જ નથી. આ સંજોગોમાં ભારતીય ક્રિકેટ બોર્ડ અને આઈપીએલની ગવર્નિંગ કાઉન્સીલને સ્પર્ધા પડતી મુકવાનો જ નિર્ણય લેવો પડે તેમ હતો, તે સિવાય કોઈ વિકલ્પ નહોતો.

વાસ્તવિકતા એ હતી કે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ મંગળવારે દિલ્હીમાં રમાવાની હતી, પણ તે મેચ તો કમ-સે-કમ પાછી ઠેલવી જ પડે તેમ હતી. પણ એટલું ઓછું હોય તેમ સોમવારે રાત્રે તો કોલકાતા ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સના પણ ખેલાડીઓ કે અધિકારીઓ તેમજ દિલ્હી અને ચેન્નાઈમાં સ્ટેડિયમના ગ્રાઉન્ટ સ્ટાફના સભ્યો કોરોના પોઝિટિવ થવાના કારણે સ્થિતિ વણસી ગઈ હતી. આમછતાં, બીસીસીઆઈનો પ્રયાસ કોલકાતા અને બેંગ્લોરની મેચો રદ કરી આઈપીએલનો તખતો મુંબઈ ખસેડવાનો હતો, જેના માટેના પગલાં પણ શરૂ કરી દેવાયા હતા. પણ મંગળવારે દિલ્હી કેપિટલ્સનો બોલર અમિત મિશ્રા પણ પોઝિટિવ આવતાં ચાર ટીમ્સના બાયો બબલ્સ તૂટી ગયા હતા.

ટીવી પ્રસારણના રાઈટ્સ ધરાવતી સ્ટાર ગ્રુપ પણ સ્પર્ધા મોકુફ રાખવાની તરફેણમાં હતી.

બીજી તરફ, હવે તો બાકીની ટીમ્સના ખેલાડીઓ અને તેના પરિવારજનોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો, ખેલાડીઓ સહિત કોઈના મનમાં ક્રિકેટ વિષે વિચારવાનો પણ અવકાશ નહોતો જણાતો.

આ સંજોગોમાં ભારતીય ક્રિકેટ બોર્ડે આઈપીએલ 2021 પડતી મુકવાની જાહેરાત કરી હતી. બોર્ડના ઉપ પ્રમુખ રાજીવ શુકલાએ કહ્યું હતું કે, બોર્ડ કોઈની – ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ કે પછી અન્ય લોકોની સલામતી સાથે બાંધછોડ કરવા ઈચ્છતું નહીં હોવાથી આ નિર્ણય લેવાયો છે.

આ વર્ષે ભારતમાં આઈપીએલના આયોજનમાં અનેક દ્રષ્ટિએ કચાશ સાફ જણાઈ આવતી હતી, જેમાં એકથી વધુ – અનેક શહેરોમાં મેચ રમવા, તેના માટે ટીમ વગેરેની મુસાફરી, ટીમો રોકાતી હોય તે હોટેલના સ્ટાફને પણ ગ્લોબલ પ્રોટોકોલ્સ અનુસાર નિયત સમય મર્યાદા માટે ક્વોરન્ટાઈન કરવા, સ્ટેડિયમથી ઘણા લાંબા અંતરે આવેલી હોટેલ્સમાં ઉતારા, ખામીયુક્ત જીપીએસ ટ્રેકિંગ સીસ્ટમ તેમજ આઈપીએલ માટે તહેનાત કરવામાં આવેલા કોવિડ મેડિકલ સ્ટાફની અપુરતી કાબેલિયત જેવી બાબતોનો સમાવેશ થાય છે.

હાલના સંજોગોમાં અધવચ્ચેથી સ્પર્ધા હવે યુએઈમાં પણ ખસેડી શકાય નહીં. હવે ભારતીય ક્રિકેટ બોર્ડ માટે સૌથી મોટો પડકાર ભારતમાં અટવાઈ ગયેલા વિદેશી ખેલાડીઓ, અધિકારીઓ વગેરેને તેમના દેશ પાછા મોકલવાની વ્યવસ્થા કરવાનો છે. આઈપીએલમાં રમતા હોવાના કારણે હાલ તુરંત તો ભારતમાં અટવાઈ ગયેલા વિદેશીઓમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકાના લોકોનો સમાવેશ થાય છે. બીસીસીઆઈએ જો કે બધાને એવી હૈયાધારણ આપી છે કે તેમની સલામત વતન-વાપસી માટે બોર્ડ શક્ય એટલા તમામ પ્રયાસો કરશે.

ReplyForward