ઇન્ટરનેશનલ પ્રેસ એકેડમી (આઇપીએ)ના 27માં સેટેલાઇટ એવોર્ડ સમારંભમાં ગુજરાતી ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ (છેલ્લો શો)ના યુવા અભિનેતા ભાવિન રબારીને બ્રેકથ્રુ પરફોર્મન્સ એવોર્ડ મળ્યો છે, જ્યારે એસએસ રાજામૌલી દ્વારા દિગ્દર્શિત તેલુગુ ફિલ્મ RRR ને ઓનરરી સેટેલાઇટ એવોર્ડ મળ્યો હતો.
ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી બનેલી ડિરેક્ટર પાન નલિનની ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ (છેલ્લો શો)ને વધુ એક સફળતા મળી હતી. ભાવિન રબારી આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીતનારો સૌથી નાની વયનો એક્ટર બની ગયો છે. આ એવોર્ડ જીતવાની સાથે જ ભાવિન રબારી એડવર્ડ નોર્ટન, નિકોલ કિડમેન, ચાર્લિઝ થેરોન, રસેલ ક્રો અને હેલ બેરી જેવા દિગ્ગજ એક્ટર્સ-એક્ટ્રેસની યાદીમાં સામેલ થઈ ગયો છે જેઓ આ એવોર્ડ જીતી ચૂક્યા છે.
એવોર્ડ જીત્યા બાદ ડિરેક્ટર પાન નલિને જણાવ્યું હતું કે, આ ફિલ્મ અને ભાવિનને જે પ્રેમ મળી રહ્યો છે તે અદ્દભુત છે. આ એવોર્ડ તેના માટે ઘણો જ ખાસ છે કેમ કે આ તેણે આટલી નાની વયે કરેલી આકરી મહેનતનું ઈનામ છે.
13 વર્ષીય ભાવિન રબારીએ જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં કામ કરવાની તક આપવા બદલ હું પાન નલિન સર, સિદ્ધાર્થ સર અને ધીર ભાઈનો આભાર માનું છું અને મને ખુશી છે કે હું આ ફિલ્મનો ભાગ બની શક્યો. મને આશા છે કે અમે આવા વધુ એવોર્ડ્સ જીતીને દેશને ગૌરવ અપાવીશું અને ઓસ્કર પણ ઘરે લાવીશું.
સિદ્ધાર્થ રોય કપૂર, ધીરજ મોમાયા, પાન નલિન અને માર્ક ડ્યુઅલ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મ જાપાન અને ઈટાલીમાં રિલીઝ થવા માટે તૈયાર છે. અમેરિકામાં સેમ્યુઅલ ગોલ્ડવિન દ્વારા આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. જ્યારે ભારતમાં આ ફિલ્મ રોય કપૂર ફિલ્મ દ્વારા રિલીઝ કરવામાં આવી હતી.