રોપર ખાતેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT)એ એર નેનો બબલ નામની એક એક નવી ગ્રીન ટેક્નોલોજી વિકસાવી છે. તે ટેક્સટાઇલ સેક્ટરમાં પાણીના વપરાશમાં 90 ટકા સુધી ઘટાડો શકે છે.
IIT, રોપરના ડાયરેક્ટર રાજીવ આહુજાએ જણાવ્યું હતું કે પાણીનો સૌથી વધુ વપરાશ કરતાં ક્ષેત્રોમાં ટેક્સટાઇલનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રમાં દુષિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની જરૂરિયાત વધી રહી છે. અમે ભાવિ પેઢીઓ માટે પાણીના સંચય માટે નવા યુગની પ્રોસેસિંગ મેથડ શોધી રહ્યાં છે.
આ ટેકનોલોજીની શોધ કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના સહાયક પ્રોફેસર નીલકંઠ નિર્મળકરે કરી છે. તેમણે જણાવ્યું હતું કે કાચા અંદાજ મુજબ એક કિલો કોટન ફેબ્રિકને પ્રોસેસ કરવા માટે 200-250 લિટર પાણીની જરૂર પડે છે. લેબોરેટરીના રીપોર્ટ સૂચવે છે કે પાણીમાં વિખરાયેલ હવાના નેનો બબલ પાણીના વપરાશ અને રાસાયણિક માત્રામાં 90-95 ટકા ઘટાડો કરી શકે છે. તેનાથી આખરે ઊર્જાનો વપરાશ પણ 90 ટકા ઘટે છે.
ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ફેબ્રિક્સ પ્રિપેરેશન માટે ઘણા તબક્કામાં પાણીનો ઉપયોગ થાય છે. ડાઇંગ, ફિનિશિંગ કેમિકલ્સ, સ્કરિંગ, બ્લીચિંગ સહિતના તબક્કામાં પાણીનો વપરાશ થાય છે. આની સાથે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સૌથી વધુ પ્રમાણમાં વેસ્ટ વોટરનો સ્રોત છે. પ્રિ-ટ્રિટમેન્ટ, ડાઇંગ, પ્રિન્ટિંગ અને ટેક્સટાઇલ મટેરિયલ્સના ફિનિશિંગ વગેરેમાં પાણીનું પ્રદૂષણ થાય છે.
નીલકંઠ નિર્મળકરે જણાવ્યું હતું કે આ ટેકનોલોજી એર અને ઓઝનના નેનો બબલ આધારિત છે. નેનો પરપોટા મૂળભૂત રીતે હાઇડ્રોફોબિક હોય છે, તેથી ફેબ્રિક સાથે પાણી કરતાં વધુ સારી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તથા ફેબ્રિકમાં રસાયણો અને રંગોને પાણી કરતાં વધુ અસરકારક રીતે વિતરિત કરે છે.
આ પરપોટાનું કદ માનવ વાળના 10000મા ભાગનું હોય છે. ઓઝોન નેનો બબલ્સ ફેબ્રિક ધોવાની પ્રક્રિયા દરમિયાન વધારાના રંગને અસરકારક રીતે દૂર કરે છે. પાણીના વપરાશમાં ઘટાડો કરવા ઉપરાંત નેનો બબલ મશીનમાં પ્રોસેસ કરેલા પાણીનો ફરી ઉપયોગ કરી શકાય છે.