ઇન્ટરપોલે ગુરુવારે UAE અને UK સ્થિત બે ગેંગસ્ટર વિક્રમજીત સિંહ અને કપિલ સાંગવાન વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. વિક્રમજીત સિંહ ઉર્ફે વિક્રમ બ્રાર દુબઈમાં છુપાયો હોવાની આશંકા છે. તે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નજીકનો સહયોગી છે અને ગેંગની કામગીરી વિદેશમાં ચલાવે છે.
કપિલ સાંગવાન દિલ્હી એનસીઆરમાં પોતાની ગેંગ ચલાવે છે. તે બિશ્નોઈ ગેંગ સાથે પણ ગાઢ સંબંધ ધરાવે છે. બંને ભાગેડુઓ ભારતથી ભાગી ગયા છે અને વિદેશમાંથી બિશ્નોઈનું નેટવર્ક ચલાવી રહ્યા છે. જૂન 2021માં દિલ્હી પોલીસે CBI ઈન્ટરપોલ શાખાને ગેંગસ્ટર કપિલ સાંગવાન ઉર્ફે નંદુ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ (RCN) જારી કરવા વિનંતી કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, કપિલ યુનાઇટેડ કિંગડમમાંથી ખંડણીના કોલ કરે છે. બિશ્નોઈ અને તેની ગેંગ સામેના મોટાભાગના કેસ હવે NIAને સોંપવામાં આવ્યા છે. NIAને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે બિશ્નોઈ ગેંગ અને ખાલિસ્તાન સમર્થકો વચ્ચે સીધો સંપર્ક હતો.