ન્યૂયોર્કના આઇકોનિક ટાઇમ્સ સ્કેવર ખાતે 21 જુને 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે હજારો લોકો એક દિવસના યોગ સેશનમાં જોડાયા હતા. ન્યૂ યોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ટાઈમ્સ સ્ક્વેર એલાયન્સ સાથે ટાઈમ્સ સ્ક્વેર ખાતે વિશેષ યોગ સત્રોનું આયોજન કર્યું હતું.
ટાઇમ્સ સ્કેવર ખાતે યોગ ઉત્સાહીઓ દર વર્ષની જેમ આ વખતે પણ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા મોટા પાયે એકઠા થયાં હતાં.
દિવસ દરમિયાન 93°F (33.8°C) જેટલું ઊંચા તાપમાનની એડવાઇઝરી જારી કરવામાં આવી હોવા છતાં તમામ ક્ષેત્રો અને રાષ્ટ્રીયતાના લોકો વહેલી સવારે આવી પહોંચ્યા હતાં અને તેમની યોગા મેટ બિછાવી હતી.
ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ દ્વારા આયોજિત યોગ અને ધ્યાન સત્રનું નેતૃત્વ આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના સ્વયંસેવક અને ફેકલ્ટી મેમ્બર તરીકે બે દાયકાથી વધુનો અનુભવ ધરાવતા યોગ પ્રશિક્ષક અને બ્રેથ મેડિટેશન ટીચર રિચા ઢેકનેએ કર્યું હતું. અન્ય કેટલાક યોગ શિક્ષકો અને નિષ્ણાતોએ ટાઇમ્સ સ્ક્વેર ખાતે દિવસભર વિવિધ ધ્યાન, કસરતો અને શ્વાસોચ્છવાસના સત્રોનું નેતૃત્વ કર્યું હતું.
ન્યૂયોર્કમાં ભારતના કોન્સલ જનરલ બિનયા શ્રીકાંત પ્રધાને કહ્યું હતું કે “જેમ તમે જોઈ શકો છો, ઘણા દેશોના લોકો યોગ સહભાગીઓ બન્યાં છે અને આ આજે આખો દિવસ ચાલશે. આ ઉજવણીમાં લગભગ 8,000-10,000 લોકો સામેલ થયા હતા. 2024ના યોગ દિવસની થીમ ‘સ્વ અને સમાજ માટે યોગ’ છે.