યુરોપના અનેક દેશોએ લૉકડાઉનમાં રાહત આપવાની શરૂઆત કરી દીધી છે. યુરોપમાં જ્યાં સૌથી વધુ મોત થયા છે એ ઈટાલીએ લાખો લોકોને સોમવારે કામ પર જવાની મંજૂરી આપી હતી. પરિણામે મહિનાઓ પછી ઈટાલીના રસ્તા-શેરીઓ ધમધમતી થઈ હતી. પાટનગર રોમમા ૧૧ માર્ચ પછી પહેલી વખત ટ્રાફિક જોવા મળ્યો હતો.
ઈટાલી યુરોપનો બીજા નંબરનો કોરોનાગ્રસ્ત દેશ છે. ત્યાં ૨.૧૦ લાખથી વધારે કેસ છે અને ૨૯ હજાર જેટલા મોત નોંધાયા છે. સ્પેન પછી મોતની દૃષ્ટિએ ઈટાલી બીજા ક્રમે છે. સ્પેને પણ છૂટછાટ આપતા હેર સલૂન સહિતની દુકાનો સોમવારે ખુલી હતી. ગ્રીસમાં કેટલીક રેસ્ટોરાં ખોલવાની મંજૂરી અપાઈ હતી. બેલ્જિયમે પણ ઓફિસને મર્યાદિત સ્ટાફ સાથે ખોલવાની છૂટ આપી હતી.
બીજી તરફ બ્રાઝિલમાં કેસની સંખ્યા ૧ લાખ ઉપર પહોંચી ગઈ છે. એક લાખથી વધારે કેસ નોંધાયા હોય એવો બ્રાઝિલ નવમો દેશ છે. ત્યાં અત્યાર સુધીમાં સાડા સાત હજાર મોત નોંધાયા છે, જ્યારે ૪૩ હજાર કોરોનાગ્રસ્ત સાજા પણ થયા છે. વિશ્વમાં કોરોનાના કુલ કેસ ૩૬ લાખ નજીક પહોંચ્યા છે, મૃત્યુ સંખ્યા અઢી લાખ અને રિકવર થયેલા દરદી પોણા બાર લાખ જેટલા નોંધાયા છે.
યુરોપ બહાર મિડલ ઈસ્ટના અન્ય દેશો, થાઈલેન્ડ જેવા એશિયાઈ દેશોએ પણ કેટલીક શરતો સાથે છૂટછાટ આપવાની શરૂઆત કરી દીધી છે. રશિયામાં સતત કેસ વધી રહ્યા છે, માટે ત્યાં સરકાર કોઈ છૂટછાટના મૂડમાં નથી. રશિયામાં કેસની સંખ્યા ૧.૪૫ લાખથી વધુ નોંધાઈ છે. એ રીતે જાપાને પણ મે મહિનાના અંત સુધી રાષ્ટ્રીય કટોકટી લંબાવી દીધી છે.
અમેરિકામાં એક લાખ જેટલા મોત થઈ શકે છે, એવુ આકલન ટ્રમ્પે ફરી વખત રજૂ કર્યુ હતુ. ઘણા દિવસો પહેલા જ્યારે કોરોના અમેરિકામાં શરૂઆતી તબક્કે હતો ત્યારે પણ ટ્રમ્પે આ આગાહી ઉચ્ચારી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ચીને ધ્યાન આપ્યું હોત તો આપણે ત્યાં એક પણ મોત નોંધાયુ ન હોત.
ટ્રમ્પે અમેરિકા ટૂંક સમયમાં રિ-ઓપન થઈ જઈ ફરીથી દોડતું થશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે પણ કહ્યું હતું કે વાઈરસ વિશે ચીને જેટલી માહિતી આપી છે, તેનાથી અનેકગણી છૂપાવી છે. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સનના સ્પોક્સ પર્સને પણ કહ્યું હતુ કે વાઈરસનો ઉદ્ભવ ક્યાંથી થયો એ તપાસ થવી જોઈએ.
પડોશી દેશ ન્યુઝિલેન્ડ અને ઑસ્ટ્રેલિયા વિચાર કરી રહ્યાં છે, કે પ્રવાસન સેક્ટર ખોલી દેવામાં આવે. અલબત્ત, બન્ને દેશો માત્ર એકબીજાના પ્રવાસીઓને જ હાલના તબક્કે મંજૂરી આપવાનો વિચાર કરે છે. અન્ય દેશના પ્રવાસીઓ માટે અત્યારે એ દેશો બંધ જ રહેશે. ઑસ્ટ્રેલિયામાં ૭ હજારથી ઓછા જ્યારે ન્યુઝિલેન્ડમાં દોઢ હજારથી પણ ઓછા કેસ નોંધાયા છે. નવા કેસની સંખ્યા નહિવત છે, માટે સરકાર આ વિચાર કરવા પ્રેરાઈ છે.
ચીનમાં હવે સ્થાનિક સ્તરે સ્થિતિ કાબુમાં છે, પરંતુ બહારથી આવાનારા પ્રવાસીઓ પોઝિટિવ નીકળી રહ્યા છે. ચીનમાં રવિવારે ૩ કેસ નોંધાયા હતા, જે ત્રણેય ચીનની બહારથી આવ્યા હતા. માટે ચીની આરોગ્ય અધિકારીઓએ જણાવ્યુ હતુ કે જો સાવધાની નહીં રખાય તો ફરી કેસ વધશે. લક્ષણો ન દેખાતા હોય એવા કેટલાક કેસ પણ ચીનમાં નોંધાયા છે. દરમિયાન ચીને વુહાનમાં સ્કૂલોને બુધવારથી શરૂ કરવાની તૈયારી આદરી છે.
જર્મની અને ઈટાલીના સંશોધકોએ એવા અહેવાલો રજૂ કર્યા હતા કે એ દેશના આંકડા કરતા અનેકગણા વધારે કોરોના કેસ હોવાની શક્યતા છે. જર્મનીની યુનિવર્સિટી ઑફ બોનના સંશોધકોએ સૌથી વધુ દરદી છે એવા વિસ્તારોની મુલાકાત લીધી હતી. એ પછી અહેવાલ રજૂ કર્યો હતો કે જર્મન સરકારે રજૂ કર્યા કરતા દસ ગણા વધારે દરદી હોઈ શકે. ઈટાલીમાં પણ દરદી વધારે હોવાના અહેવાલો અગાઉ આવી ચૂક્યા છે.
આજે ફરીથી સિવિલ પ્રોટેક્શન એજન્સીએ કહ્યુ હતુ કે અનેક કેસ અને મૃત્યુ નોંધી શકાયા નથી. માટે જો તપાસ થાય તો કેસની સંખ્યા ઘણી વધારે નીકળી શકે એમ છે. સરકારી આંકડા પ્રમાણે ઈટાલીમાં ૨.૧૦ લાખથી વધારે કેસ છે, જ્યારે જર્મનીમાં ૧.૬૫ લાખથી વધારે કેસ છે. અલબત્ત, જર્મનીને મૃત્યુસંખ્યા કાબુમાં રાખવામાં સફળતા મળી છે, માટે ત્યાં સાત હજારથી પણ ઓછા મોત નોંધાયા છે.