જાણીતા ઇન્ડિયન અમેરિકન ગણિતશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રી કાલ્યમપુડી રાધાકૃષ્ણ રાવનું આંકડાશાસ્ત્રમાં 2023ના આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી સન્માન કરાશે. આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં આ એવોર્ડ નોબેલ પુરસ્કારની સમકક્ષ માનવામાં આવે છે. સ્ટેટિસ્ટિક્સ થિન્કિંગમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાના 75 વર્ષ પહેલાના સીમાચિહ્નરૂપ યોગદાન બદલ રાવનું આ સન્માન થશે.
ઇન્ટરનેશનલ પ્રાઇઝ ઇન સ્ટેટિસ્ટિક્સ ફાઉન્ડેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 75થી વધુ વર્ષ પહેલા રાવે આપેલા આ યોગદાનથી વિજ્ઞાન પર ઊંડો પ્રભાવ પાડ્યો છે. આ જુલાઈમાં કેનેડાના ઓટ્ટાવામાં દ્વિવાર્ષિક ઈન્ટરનેશનલ સ્ટેટિસ્ટિકલ ઈન્સ્ટિટ્યૂટ વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સ કોંગ્રેસ ખાતે રાવને આ ઇનામ અપાશે. રાવ હાલમાં 102 વર્ષના છે. આ એવોર્ડ સાથે તેમને 80,000 ડોલરની રકમ મળશે.
ઇન્ટરનેશનલ પ્રાઇઝ ઇન સ્ટેટિસ્ટિક્સ ફાઉન્ડેશનના ચેરમેન ગાય નેસને જણાવ્યું હતું કે તેમના સમયના સી આર રાવના યોગદાનથી માત્ર સ્ટેટિસ્ટિકલ થિન્કિંગમાં ક્રાંતિકારી પરિવર્તન જ નથી આવ્યું, પરંતુ તેનાથી વિજ્ઞાનની વિવિધ શાખમાં માનવ સમજ પર ઊંડો પ્રભાવ પાડ્યો છે અને અમે આ એવોર્ડથી તેમના કાર્યનું બહુમાન કરી રહ્યાં છીએ.
કલકત્તા મેથેમેટિકલ સોસાયટીના બુલેટિનમાં 1945માં પ્રકાશિત થયેલા રીસર્ચ પેપરમાં રાવે ત્રણ મૂળભૂત તારણો દર્શાવ્યા હતા, જેનાથી સ્ટેટિસ્ટિકલના આધુનિક ક્ષેત્રનો માર્ગ મોકળો થયો હતો. તેનાથી વિજ્ઞાનમાં વ્યાપક ઉપયોગ થતી સ્ટેટિસ્ટિકલ થીયરી મળી હતી. પ્રથમ મૂળભૂત તારણ ક્રેમર-રાવ લોઅર બાઉન્ડ તરીકે જાણીતું છે. બીજુ રિઝલ્ટ રાવ-બ્લેકવેલ થીઓરમ તરીકે જાણીતુ છે,જે જે અંદાજને વધુ સારા બનાવે છે અને શ્રેષ્ઠ અંદાજ આપે છે. ત્રીજું રિઝલ્ટ નવી આંતરશાખાકીય ક્ષેત્રની સમજ આપે છે અને તેનાથી “ઇન્ફર્મેશન જિયોમેટ્રી”નો વિકાસ થયો છે.
રાવનો જન્મ કર્ણાટકના હદગાલીમાં એક તેલુગુ પરિવારમાં થયો હતો. તેમનું શાળાકીય શિક્ષણ આંધ્ર પ્રદેશના ગુદુર, નુઝવિદ, નંદીગામા અને વિશાખાપટ્ટનમમાં પૂર્ણ થયું હતું. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી ગણિતમાં MSc અને 1943માં કલકત્તા યુનિવર્સિટીમાંથી આંકડાશાસ્ત્રમાં MAની ડિગ્રી મેળી હતી. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીની કિંગ્સ કૉલેજમાં પીએચડીની ડિગ્રી મેળવી હતી તેમણે 1965માં કેમ્બ્રિજમાંથી ડીએસસીની ડિગ્રી પણ ઉમેરી. સી આર રાવે સૌપ્રથમ ઈન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઈન્સ્ટિટ્યૂટ અને કેમ્બ્રિજમાં એન્થ્રોપોલોજીકલ મ્યુઝિયમમાં કામ કર્યું હતું.
તેમણે ઈન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર અને ભારતની વિવિધ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્ય કર્યું હતું. તેઓ યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગમાં યુનિવર્સિટી પ્રોફેસર પણ હતા.
તેઓ હાલમાં પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રોફેસર એમેરિટસ અને બફેલો ખાતે યુનિવર્સિટીમાં સંશોધન પ્રોફેસર છે. રાવને અનેક સન્માનો મળ્યા છે. તેમને પદ્મ ભૂષણ (1968) અને 2001માં પદ્મ વિભૂષણનો ખિતાબ એનાયત કરાયો હતો. પાંચ અગ્રણી આંતરરાષ્ટ્રીય આંકડાકીય સંસ્થાઓ વચ્ચેના સહયોગ દ્વારા દર બે વર્ષે ઇન્ટરનેશનલ પ્રાઇઝ ઇન સ્ટેટિસ્ટિક્સ આપવામાં આવશે.