આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવા પર લગાવવામાં આવેલો પ્રતિબંધ 15 જુલાઈ સુધી જળવાઈ રહેશે. DGCA દ્વારા શુક્રવારે ઈન્ટરનેશનલ એર ટ્રાવેલ સસ્પેન્ડ રાખવા અંગે જાણકારી આપી હતી. આ અગાઉ નાગરિક ઉડ્ડયન પ્રધાને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવા જૂન-જુલાઈ સુધીમાં શરૂ કરવામાં આવી શકે છે. DGCAના આદેશ પ્રમાણે આ નિર્ણયની અસર આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઈટ તેમ જ વિશેષ વિમાની સેવા પર થશે નહીં.
દેશમાં 25 મેથી ઘરેલુ ઉડ્ડયન સેવા શરૂ કરવામાં આવી છે. 21 મેના રોજ આ માટે વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. દેશના આશરે 20 વિમાની મથકો પરથી આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવા છે. આ વિમાની મથકો પરથી 55 દેશના 80 શહેર સુધી પહોંચી શકાય છે.
વિશ્વના અનેક દેશો કોરોના વાઈરસના ઓથારા હેઠળ આવી ગયા છે. આ સંજોગોમાં આંતરરાષ્ટ્રી ઉડ્ડયન સેવા પર પ્રતિબંધ રાખવો જરૂરી છે. આંકડાકીય માહિતીને જોઈએ તો ભારતમાં વર્ષ 2019માં આશરે 7 કરોડ લોકોએ હવાઈ સફર કરી હતી.
સરકારે વંદે ભારત મિશન હેઠળ વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવી રહી છે. આ મિશન હેઠળ દેશમાં અત્યારે ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. 11 જૂનના રોજ શરૂ થયેલા ત્રીજા તબક્કામાં 24 જૂન સુધીમાં 1 લાખ 82 હજાર 313 યાત્રીને પરત લાવવામાં આવ્યા છે. આ માટે 1,441 ફ્લાઈટ ચલાવવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પૂરીએ 23 મેના રોજ ફેસબૂક લાઈવ સેશનમાં પ્રશ્નનો જવાબ આપ્યો હતો.
તેમણે કહ્યું કે ઓગસ્ટ-સપ્ટેમ્બર અગાઉ આપણે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવા શરૂ કરી શકીએ છીએ. જોકે, બાદમાં તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવા માટે એરપોર્ટ ઓથોરિટી અને એરલાઈન્સ સંપૂર્ણપણે તૈયાર છે. અમે તેમને જૂન-જુલાઈમાં શરૂ કરી શકીએ છીએ.