ભારત સરકારે શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટ પરના પ્રતિબંધને વધુ આદેશ ન મળે ત્યાં સુધી લંબાવવાનો સોમવારે નિર્ણય કર્યો છે. સરકારે કોરોના મહામારી બાદ રેગ્યુલર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો હતો.
ભારતની નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની નિયમનકારી સંસ્થા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન ( DGCA)એ એક પરિપત્રમાં જણાવ્યું હતું કે સક્ષમ સત્તાવાળાએ વધુ આદેશ ન મળે ત્યાં સુધી શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ કોમર્શિયલ પેસેન્જર સર્વિસ પરના પ્રતિબંધને લંબાવ્યો છે. આ પ્રતિબંધ ઇન્ટરનેશનલ ઓલ-કાર્ગો ફ્લાઇટને તથા ડીજીસીએએ મંજૂરી કરેલી ખાસ ફ્લાઇટને લાગુ પડશે નહીં. એર બબલ એગ્રીમેન્ટ હેઠળની ફ્લાઇટ્સને કોઇ અસર થશે નહીં.
ડીજીસીએએ અગાઉ 26 નવેમ્બર 2021ના રોજ જાહેરાત કરી હતી કે ભારત 15 ડિસેમ્બર 2021થી શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટ ફરી ચાલુ કરશે.
ભારતમાં શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર 28 ફેબ્રુઆરી 2022 સુધી પ્રતિબંધ મૂકયો હતો. સરકારે કોરોના મહામારી બાદ 23 માર્ચ 2020થી આવી ફ્લાઇટ બંધ કરેલી છે. જોકે અર બબલ એગ્રીમેન્ટ હેઠળ જુલાઈ 2020થી આશરે 40 દેશો અને ભારત વચ્ચે સ્પેશ્યલ પેસેન્જર ફ્લાઇટ ચાલુ છે.