ભારત સરકાર કોરોના મહામારીના આશરે બે વર્ષ બાદ 27 માર્ચથી રેગ્યુલર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ફરી ચાલુ કરવાની જાહેરાત કરી હોવાથી ઇન્ટરનેશનલ ફ્લાઈટની સંખ્યા વધી જશે અને એરફેરમાં લગભગ 40 ટકા સુધી ઘટાડો થવાની ધારણા છે. કોવિડના કારણે લગભગ બે વર્ષ સુધી હવાઈ મુસાફરી પર અનેક પ્રકારના નિયંત્રણો હતા. હવે આ નિયંત્રણો દૂર થઈ રહ્યા છે અને ફ્લાઈટની સંખ્યા વધવાની છે જેથી એરફેર સસ્તા થશે તેમ આ સેક્ટરના નિષ્ણાતો માને છે.
જર્મનીની લુફ્થાન્સા અને ગ્રૂપ કેરિયર સ્વીસે આગામી કેટલાક મહિનામાં પોતાની ફ્લાઈટની સંખ્યા બમણી કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે સિંગાપોર એરલાઇન્સ તેની ફ્લાઈટની સંખ્યામાં 17 ટકા સુધી વધારો કરે તેવી શક્યતા છે. ડોમેસ્ટિક એરલાઈન ઇન્ડિગો પણ ફ્લાઈટની સંખ્યા વધારવા માટે સજ્જ છે. આગામી બે-ત્રણ મહિનામાં ઇન્ડિગો 100થી વધુ ગ્લોબલ ફ્લાઈટ શરૂ કરવા વિચારે છે.
હાલમાં કેટલાક દેશો સાથે થયેલી વ્યવસ્થા પ્રમાણે એરલાઈન્સ મર્યાદિત સંખ્યામાં ઉડાન ભરે છે. ભારતે નિયમિત ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મુકી દીધો છે. વિમાનોમાં લિમિટેડ સીટ ઉપલબ્ધ હોવાના કારણે હવાઈભાડા 100 ટકા સુધી વધી ગયા છે. ભારત-અમેરિકા જેવા રૂટ પર ટિકિટના દર બે વર્ષ પહેલાંની સરખામણીમાં બમણાં થઈ ગયા છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ રેગ્યુલર ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ બંધ થવાના કારણે માંગ અને પૂરવઠા વચ્ચે તફાવત ઊભો થયો હતો. બબલ એરેન્જમેન્ટના રૂટ વચ્ચે એરફેરમાં ભારે વધારો થયો છે. હવે એરલાઈન્સ ફરીથી પહેલાની કેપેસિટીએ કામ કરવા લાગશે તેથી એરફેરમાં ભારે ઘટાડો થશે.
ગયા વર્ષે ક્રૂડ ઓઈલ વધવાના કારણે ATFના રેટમાં 100 ટકાનો વધારો થયો હતો. આ વર્ષે પણ એવિયેશન ટ્રબાઈન ફ્યુઅલ (ATF)ના ભાવમાં પાંચ વખત વધારો થયો છે. આવી સ્થિતિમાં ફ્લાઈટ્સની સંખ્યા વધશે તો ગ્રાહકોને ઘણો ફાયદો થશે. સિંગાપોર એરલાઈન્સ હાલમાં ભારતમાં 8 શહેરમાંથી સાપ્તાહિક 52 ફ્લાઈટનું સંચાલન કરે છે. 21 માર્ચથી તે 61 વીકલી ફ્લાઈટ શરૂ કરવાની યોજના ધરાવે છે.