ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથ (Photo by PEDRO UGARTE/AFP via Getty Images)

દાવોસના વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)માં આઇએમએફના ગીતા ગોપીનાથે જણાવ્યું હતું કે ફુગાવા સામેની લડત હજુ પૂરી થઈ નથી અને વ્યાજદર ઊંચા રહેવાનો અંદાજ છે. ચાલુ વર્ષેના બીજા અર્ધવાર્ષિક ગાળામાં વ્યાજદર ઘટવાની શક્યતા વધુ છે. ભારતના કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીએ પણ દાઓસમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત ૨૦૨૮થી બહુ પહેલાં પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે.

આઇએમએફના પ્રથમ ડેપ્યુટી એમડી ગીતા ગોપીનાથે જણાવ્યું હતું કે, “બજારોને આશા છે કે મધ્યસ્થ બેન્કો વ્યાજદર ઘટાડવા માટે આક્રમક વલણ અપનાવશે. જોકે, મને લાગે છે કે અત્યારથી આવો અંદાજ બાંધવો ઘણો વહેલો છે. ચાલુ વર્ષે વ્યાજદરમાં ઘટાડો થવાનો અંદાજ છે, પણ અમે અત્યારે જે ડેટા જોઈ રહ્યા છીએ તેના આધારે વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં વ્યાજદર ઘટવાની શક્યતા વધારે છે.”

તેમણે જણાવ્યું હતું કે વિશ્વમાં મોટી મંદીની શક્યતા ઘણી ઓછી છે. ભારતના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ પ્રધાને કહ્યું હતું કે, “મને નથી લાગતું કે પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા આપણે ૨૦૨૮ સુધી રાહ જોવી પડશે. અત્યારના ઘટનાક્રમને જોતાં પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રનો લક્ષ્યાંક ૨૦૨૮થી ઘણો વહેલો હાંસલ થશે.” તેમણે જણાવ્યું હતું કે, “ઊર્જાની વાત કરીએ તો આર્થિક વૃદ્ધિ અને ઊર્જાનો સંબંધ બહુ મહત્વનો છે. અર્થતંત્ર ચાર ટ્રિલિયન ડોલરની નજીક છે ત્યારે આપણે મોટી વસતીની જરૂરિયાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ઊર્જા સંબંધી પરિવર્તન વ્યવસ્થિત હોવું જોઇએ. જેમાં સ્પષ્ટ સમયપત્રક અને સાવચેતીના પગલાં જરૂરી છે. જેથી ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો ન પડે.”

LEAVE A REPLY