યુરોપિયન સેન્ટ્રલ બેંક (ECB)એ 27 જુલાઈના રોજ વ્યાજ દરોમાં 0.25 ટકાનો વધારો કરતાં યુરોપમાં વ્યાજદરો 23 વર્ષમાં તેમના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યાં હતા. બીજી તરફ અમેરિકાની ફેડરલ રિઝર્વે પણ બુધવારે વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કરતાં વ્યાજદરો 2001 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા.

ECBએ સતત નવમી વખત વ્યાજદરમાં વધારો કરતાં હવે વ્યાજદરો 3.75 ટકા થઈ ગયા હતા. જે 2001 પછીનું તેનું સર્વોચ્ચ સ્તર છે. અમેરિકામાં ફેડરલ રિઝર્વે બુધવારે તેના બેન્ચમાર્ક લેન્ડિંગ રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો. આની સાથે અમેરિકામાં વ્યાજદર 2001 પછીની સૌથી સ્તરે પહોંચ્યા હતા. ફુગાવાને અંકુશમાં લેવા માટે ફેડ આ વર્ષના અંત ભાગમાં વ્યાજદરમાં ફરી વધારો કરશે તેવા પણ સંકેત આપ્યાં હતા. આની સાથે ફેડના લેન્ડિંગ રેટ 5.25થી 5.5 ટકાના રેન્જમાં આવ્યા છે.

વ્યાજદરમાં વધારો કરવાના નિર્ણયની જાહેરાત કર્યા પછી ફેડના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું હતું કે ફુગાવો અમારા બે ટકાના ટાર્ગેટ સુધી નીચો ન આવે ત્યાં સુધી અમે નીતિવિષયક નિયંત્રણો ચાલુ રાખવા માંગીએ છીએ. જો યોગ્ય લાગશે તો પણ અમે વ્યાજદરમાં ફરી વધારો કરવા માટે તૈયાર છીએ. વ્યાજદરમાં આ વધારો  વિશ્લેષકોની અપેક્ષાઓ સાથે સુસંગત હતો, માર્ચ 2022માં ફુગાવા સામે આક્રમક અભિયાન ચાલુ કર્યા પછી અત્યાર સુધી વ્યાજદરમાં 11 વખત વધારો કરવામાં આવ્યો છે.

બીજી તરફ યુરોપિયન સેન્ટ્રલ બેંકે ફુગાવાને અંકુશમાં લેવા માટે સળંગ નવમી વખત વ્યાજ દરમા વધારો કર્યો હતો. યુરોપિયન સેન્ટ્રલ બેંક (ઇસીબી)ના પ્રમુખ ક્રિશ્ચિયન લેગાર્ડે વ્યાજ દરમાં ૦.૨૫ ટકા વધારો કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ યુરોપિયન સેન્ટ્રલ બેંકનો વ્યાજ દર ૩.૭૫ ટકા થઇ ગયો છે. આ ઉપરાંત રી ફાઇનાન્સિંગ ઓપરેશનલ રેટને પણ ચાર ટકાથી વધારી ૪.૨૫ ટકા કરવામાં આવ્યો હતો. ઇસીબી દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મોંઘવારી સતત ઘટી રહી છે. જો કે હજુ પણ તે વધુ છે અને લાંબા ગાળા માટે તે વધારે બની રહેવાના અંદાજને ધ્યાનમાં રાખીને વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વ્યાજ દરમાં વધારો દર્શાવે છે કે મોંઘવારી હજુ પણ ગંભીર સમસ્યા બની રહેલી છે. આ અગાઉ બુધવારે યુએસ ફેડરેલ રિઝર્વે છેલ્લા ૧૭ મહિનામાં ૧૧મી વખત વ્યાજ દરમાં વધારો કર્યો હતો.

LEAVE A REPLY