યુરોપિયન સેન્ટ્રલ બેંક (ECB) ના પ્રમુખ ક્રિસ્ટીન લેગાર્ડ REUTERS/Wolfgang Rattay

અમેરિકાની ફેડરલ રિઝર્વ પહેલા યુરોપિયન સેન્ટ્રલ બેન્ક (ઇસીબી)એ ગુરુવારે વ્યાજદરમાં 0.25 ટકાનો કાપ મૂકીને લોકોને રાહત આપી હતી. વ્યાજદરમાં ઘટાડાથી ઘર ખરીદનારાઓ, બચતકારો અને રોકાણકારોને  દૂરગામી અસરો થશે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડના નીતિ નિર્માતાઓની 20 જૂને બેઠક મળવાની છે,

ફ્રેન્કફર્ટમાં યોજાયેલી 26-સભ્યોની રેટ-સેટિંગ કાઉન્સિલની મીટિંગમાં ECBએ તેનો બેન્ચમાર્ક રેટ 4%ના રેકોર્ડ ઊંચા સ્તરેથી ઘટાડીને 3.75% કર્યો હતો. ECBએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “મોંઘવારીનું દબાણ નબળું પડ્યું છે અને ફુગાવામાં વધારો થવાની શક્યતા ઘટે છે. તેનાથી ધિરાણદરમાં ઘટાડો કરવાનો અવકાશ મળ્યો છે.

હવે પ્રશ્ન એ છે કે ECB, ફેડરલ રિઝર્વ અને અન્ય સેન્ટ્રલ બેન્કર્સ તેમના બેન્ચમાર્ક રેટને કેટલા પ્રમાણમાં અને કેટલી ઝડપથી ઘટાડો કરશે તે અંગેનો છે. વિશ્લેષકો કહે છે કે ગુરુવારે વ્યાજદરમાં ઘટાડાથી આગામી સમયગાળામાં વધુ ઘટાડો થવાની શક્યતા ઊભી થશે. તેનાથી અર્થતંત્રને મદદ મલશે. યુરોપમાં ઑક્ટોબર 2022માં ફુગાવો 10.6%ની ટોચે હતો, જે મે મહિનામાં ઘટીને 2.6%ના વાર્ષિક દરે આવી ગયો છે.

વિશ્વભરની મુખ્ય સેન્ટ્રલ બેંકો હવે વ્યાજ દરો ઘટાડા તરફી અભિગમ ધરાવે છે. સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ, હંગેરી અને ચેક રિપબ્લિક સહિત નાની અર્થવ્યવસ્થાઓમાં કેન્દ્રીય બેંકોએ પહેલેથી જ દરમાં ઘટાડો કર્યો છે.બેન્ક ઓફ ઈંગ્લેન્ડના નીતિ નિર્માતાઓની 20 જૂને બેઠક મળવાની છે, પરંતુ તે સ્પષ્ટ નથી કે ગવર્નિંગ બોર્ડ વ્યાજદરને 5.25%ના ઊંચા સ્તરથી ઘટાડો કરશે નહીં.

અમેરિકામાં ફેડરલ રિઝર્વની બેઠક 11-12 જૂને નિર્ધારિત છે. અમેરિકામાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આશરે 3.4 ટકા છે, જે ફેડના 2 ટકાના ટાર્ગેટ કરતાં ઊંચો છે. ફેડના અધ્યક્ષ જેરોમ પોવેલે જણાવ્યું છે કે બેંક આ વર્ષે 5.25%-5.5% ના વર્તમાન બેન્ચમાર્ક સ્તરથી દર ઘટાડવાની અપેક્ષા રાખે છે, પરંતુ 11-12 જૂને ફેડની આગામી પોલિસી મીટિંગમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી.

 

LEAVE A REPLY