ભારત અને સિંગાપોરે વચ્ચે સરળતા ક્રોસ બોર્ડર મની ટ્રાન્સફર માટે રિયલ ટાઇમ લિન્કની સુવિધા ઊભી કરવામાં આવી છે. ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) અને સિંગાપોરની ફેસિલિટી વચ્ચેના જોડાણને કારણે હવે માત્ર મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને ફંડ ટ્રાન્સફર શક્ય બનશે. આવી ક્રોસ-બોર્ડર ટ્રાન્સફર વ્યવસ્થા સામાન્ય રીતે ચૂકવણીનો ખર્ચ ઓછો કરે છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વિસના લોન્ચિંગ માટેની વર્ચ્યુઅલ ઈવેન્ટમાં જણાવ્યું હતું આનાથી બંને દેશોના લોકો તેમના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને તરત જ અને ઓછા ખર્ચે ફંડ ટ્રાન્સફર કરી શકશે. આ લિન્કથી માઇગ્રન્ટ કામદારો, વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને મદદ કરશે.
UPI એ ત્વરિત રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે, જે વપરાશકર્તાઓને બેંક ખાતાની વિગતો જાહેર કર્યા વિના બહુવિધ બેંકોમાં નાણાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે. તેવી જ રીતે, PayNow એ સહભાગી બેંકો દ્વારા ઓફર કરવામાં આવતી સેવા છે જે મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને એક બેંકમાંથી બીજી બેંકમાં સિંગાપોર ડોલરમાં ફંડ મોકલવા અને પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં ભારતીય સ્ટેટ બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, ઇન્ડિયન બેંક અને ICICI બેંક ઇનવર્ડ અને આઉટવર્ડ રેમિટન્સની સુવિધા આપશે, જ્યારે એક્સિસ બેંક અને DBS ઇન્ડિયા ઇનવર્ડ રેમિટન્સની સુવિધા આપશે.
સિંગાપોરના યુઝર્સ માટે આ સર્વિસ DBS-સિંગાપોર અને લિક્વિડ ગ્રૂપ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આરબીઆઈએ જણાવ્યું હતું કે સમય જતાં વધુ સંખ્યામાં બેંકોને લિંકેજમાં સામેલ કરવામાં આવશે. શરૂઆતમાં, એક ભારતીય વપરાશકર્તા દરરોજ 60,000 ભારતીય રૂપિયા ($725.16) સુધી મોકલી શકે છે.
લોન્ચ ઈવેન્ટમાં સિંગાપોરના વડા પ્રધાન લી સિએન લૂંગે જણાવ્યું હતું કે ભારત અને સિંગાપોર વચ્ચે સીમા પાર રિટેલ પેમેન્ટ્સ અને રેમિટન્સ હાલમાં વાર્ષિક $1 બિલિયનથી વધુ છે.