પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત સરકાર ખાનગીકરણ માટે ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ અથવા યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીની વિચારણા કરી શકે છે, કારણ કે તાજેતરમાં સરકારના નવા મૂડીરોકાણ બાદ આ કંપનીઓની નાણાકીય સ્થિતિમાં સુધારો થયો છે. અગાઉ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારામને બજેટ 2021-22માં બે બેન્કો અને એક સામાન્ય વીમા કંપનીના ખાનગીકરણનું ખાનગીકરણ કરવાની દરખાસ્ત કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓની નાણાકીય સ્થિતિને વધુ સારી કરવા માટે ચાલુ ક્વાર્ટરમાં વધારાના ત્રણ હજાર કરોડ રૂપિયાની સહાય આપવાની વિચારણા કરી શકે છે. ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ અને ચેન્નાઈ સ્થિત યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ બન્ને પોતાની સારી નાણાકીય સ્થિતિને કારણે ખાનગી ક્ષેત્રનો રસ મેળવવામાં સક્ષમ થઈ શકે છે. ખાનગીકરણ માટે એક યોગ્ય કંપની પસંદ કરવાની પ્રક્રિયા અત્યારે શરૂ થઈ છે.
તેમણે જણાવ્યું કે, લિસ્ટેડ ન્યુ ઈન્ડિયા ઈન્શ્યોરન્સના ખાનગીકરણની સંભાવનાને પણ ન ટાળી શકાય. ન્યૂ ઈન્ડિયા ઈન્શ્યોરન્સમાં સરકાર 85.44 ટકા હિસ્સો ધરાવે છે. યોજના પ્રમાણે, નીતિ આયોગ ખાનગીકરણ માટે સરકારને ભલામણ કરશે અને નાણા મંત્રાલયનું રોકાણ અને પબ્લિક એસેટ મેનેજમેન્ટ વિભાગ (દીપામ) દરખાસ્ત અંગે નિર્ણય કરશે.