રાજસ્થાનમાં ચૂંટણીપ્રચાર દરમિયાન ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ‘ભારત માતા કી જય’ બદલે અદાણી કી જય”ના નારા લગાવવા જોઇએ.
રાજ્યના બુંદીમાં ચૂંટણી રેલીમાં બોલતા કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે વડાપ્રધાને ‘ભારત માતા કી જય’ને બદલે ‘અદાણીજી કી જય’ બોલવું જોઈએ કારણ કે તેઓ તેમના માટે કામ કરે છે. મોદી ભારત માતા કી જય કહે છે અને અદાણી માટે 24 કલાક કામ કરે છે. ગરીબો, ખેડૂતો અને મજૂરો ‘ભારત માતા’ છે.
કોંગ્રેસના નેતાએ સવાલ કર્યો હતો કે શું દેશમાં કોઈ મોટો ઉદ્યોગપતિ ઓબીસી, દલિત કે આદિવાસી છે અને જો કોઈ હોય તો તેઓ ભાષણ આપવાનું બંધ કરશે. મોદી તેમના જાહેર સંબોધનમાં કહે તેઓ ઓબીસી છે, પરંતુ તેમણે સંસદમાં જાતિની વસ્તી ગણતરીની માંગ કરી ત્યારે વડાપ્રધાન કંઈક અલગ કહેવા લાગ્યા હતાં. તમે રૂ.12,000 કરોડનું વિમાન ખરીદ્યું, તમે દિવસમાં ત્રણ વાર કપડાં બદલો છો અને રૂ. 12 કરોડની કારમાં મુસાફરી કરો છો. પરંતુ ઓબીસી, દલિત કે આદિવાસી યુવાનો કહે છે કે અમારે અમારી વસ્તી જાણવી છે, તો તમે ત્યાં કહો છો. કોઈ જાતિ નથી.
ચૂંટણી રેલીઓને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મોદી બે ‘હિંદુસ્તાન’ બનાવવા માંગે છે, એક અદાણી માટે અને બીજું ગરીબો માટે. દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી ન કરવાના મુદ્દે મોદી પર હુમલો કરતાં તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રમાં સત્તા પર આવ્યા પછી કોંગ્રેસ સૌ પ્રથમ જાતિ આધારિત વસ્તીગણતરી કરવાશે.
બીજી તરફ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ રવિવારે આક્ષેપ કર્યો હતો કે તેલંગાણામાં સત્તારૂઢ BRS, અસદુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળની AIMIM અને BJP વચ્ચે સાંઠગાંઠ છે. રાજ્યના ખાનપુર અને આસિફાબાદ ખાતે ચૂંટણી રેલીઓને સંબોધિત કરતાં પ્રિયંકાએ જણાવ્યું હતું કે ભાજપ અને બીઆરએસ વચ્ચે ગુપ્ત સમજૂતી છે. બીઆરએસએ સંસદમાં એનડીએ સરકારને પણ સમર્થન આપ્યું હતું. ઓવૈસી વિવિધ રાજ્યોમાં સંખ્યાબંધ બેઠકો પર ઉમેદવારો ઉભા કરીને ચૂંટણી લડે છે, પરંતુ તે તેલંગાણામાં માત્ર નવ બેઠકો (કુલ 119માંથી) શા માટે લડે છે?