- અમિત રોય દ્વારા
નેશનલ થિયેટરનું નવું નાટક, ધ ફાધર એન્ડ ધ એસાસિન, શરૂઆતમાં મોહનદાસ કરમચંદ ગાંધીના સમર્થક અને પછીથી તા. 30 જાન્યુઆરી, 1948ના રોજ નવી દિલ્હીમાં પ્રાર્થના સભામાં મહાત્માની વિરુદ્ધ થઈ તેમની ગોળી મારીને હત્યા કરનાર નાથુરામ ગોડસેની તપાસ કરે છે. આ બહુ-સ્તરીય નાટકના સંવાદો બેફામ છે.
નાટકની શરૂઆતમાં લોહીથી લથબથ કુર્તો પહેરીને પ્રેક્ષકોને સંબોધતા ગોડસે કહે છે કે “તમે શું જોઈ રહ્યા છો? શું તમે ક્યારેય ખૂનીને નજીકથી જોયો નથી? સારી રીતે જુઓ…શું હું ખરાબ દેખાઉં છું? હું નથી, ભલે તમે શું સાંભળ્યું હોય. હું વિશ્વનો એક સાચો, ચિંતિત નાગરિક છું, જે એક સમયે મુક્ત માણસ બનવા સિવાય બીજું કંઈ જ ઇચ્છતો ન હતો.….હું ખાતરી આપું છું કે એકવાર તમે મારી વાતો જાણશો, મને ખરેખર સમજી શકશો, તો તમે મારી સરાહના કરશો. કદાચ મારા સન્માનમાં તમે પ્રતિમાઓ પણ ઉભી કરો.”
તે ભારતના ઈતિહાસનો ખૂબ જ કાળો સમય હતો, કારણ કે ગોડસેએ કરેલી હત્યાએ સમગ્ર દેશને આઘાત પહોંચાડ્યો હતો. સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ રાષ્ટ્રને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે “આપણા જીવનમાંથી પ્રકાશ જતો રહ્યો છે અને સર્વત્ર અંધકાર છે.’’
ધ ફાધર એન્ડ ધ એસેસિન માત્ર ભૂતકાળ વિશે જ નથી, બ્રિટિશ એશિયનો માટે ચેન્નાઈમાં રહેતા નાટ્યકાર અનુપમા ચંદ્રશેખર સમકાલીન ભારતમાં હિંદુત્વ ચળવળના ઉદય પર ટિપ્પણી કરી રહ્યાં છે. ગાંધીની હત્યાને ગોડસેની નજરથી જુએ છે. નેશનલની પ્રથમ આંતરરાષ્ટ્રીય નાટ્યકાર અનુપમાના નાટકોનું લંડનમાં મંચન કરવામાં આવ્યું છે – ફ્રી આઉટગોઇંગ અને ડિસ્કનેક્ટ અને વેન ધ ક્રોઝ વિઝીટનું પ્રીમિયર લંડનમાં રોયલ કોર્ટમાં થયું હતું.
વાર્તાનો બીજો ભાગ ગોડસેના જીવન અને 1917 થી 1948 ના ભાગ્યશાળી દિવસ સુધી ગાંધીના રાજકીય પ્રભાવને દર્શાવે છે.
ગોડસે શરૂઆતમાં ગાંધીના અનુયાયી હતા પરંતુ બાદમાં તેઓ કટ્ટરપંથી હિન્દુ રાષ્ટ્રવાદી બન્યા હતા. તેમણે નારાયણ આપ્ટે સાથે એક પેપર શરૂ કર્યા બાદ કાવતરું ઘડ્યું હતું અને ગાંધીની હત્યામાં સફળ થયા હતા. અનુપમાએ પાંચ વર્ષથી વધુ સમય સુધી આ નાટક પર કામ કર્યું હતું. ગોડસેએ ભારતના મુસ્લિમો પ્રત્યે કથિત રીતે ખૂબ જ સહાનુભૂતિ ધરાવતા હોવા બદલ ગાંધીને નિશાન બનાવ્યા હતા.
નાટકમાં કહેવાય છે કે ગોડસે અને આપ્ટેને વિનાયક દામોદર સાવરકર દ્વારા ઉગ્રવાદી બનાવવામાં આવ્યા હતા જેમને પુરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા હતા.
અઢી કલાકના નાટકનું નિર્દેશન ઇન્ધુ રૂબાસિંઘમ દ્વારા કરવામાં આવ્યું છે. ગયા ગુરુવારે તા. 19ના રોજ પ્રેસ નાઇટમાં 1,150 સીટવાળા ઓલિવિયર થિયેટરમાં ભરચક પ્રેક્ષકો તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન પ્રાપ્ત થયું હતું. ગોડસેની ભૂમિકા શુભમ સરાફે અને ગાંધીની ભૂમિકા પોલ બેઝલીએ ભજવી હતી. સાગર આર્યએ સાવરકર તરીકે ભૂમિકા નિભાવી હતી. મુસ્લિમો બહારના છે એ વિચાર સૌપ્રથમ ગોડસેના માથામાં સાવરકરે મૂક્યો હતો.
આ નાટકમાં ગાંધી, નેહરુ (માર્ક ઇલિયટ), જિન્નાહ (ઇર્વિન ઇકબાલ) અને વલ્લભભાઇ પટેલ (રવિન જે ગણાત્રા) બ્રિટિશ સંસ્થાનવાદી જુલમ અને ભારતના ભાગલા અંગે ચર્ચા કરે છે અને કોમી હત્યાકાંડને સ્ટેજ પર પ્રતિબિંબિત કરે છે. બ્રિટનમાં ફાર રાઇટ જૂથો પર ત્રાટકતા સંવાદો પણ છે.
ગ્લોબલ હિંદુ ફેડરેશને તેને “બ્રિટિશ ચેરીટી સંસ્થાઓ દ્વારા ભંડોળ પૂરું પડાયેલ હિંદુ વિરોધી પક્ષપાતી નાટક ગણાવી આરોપ મૂક્યો હતો કે તે હિંદુ ધર્મને નિશાન બનાવે છે, દેશભક્તિના ગુલામ હિંદુઓને ક્રૂર ચીતરે છે.’’
ધ ફાધર એન્ડ ધ એસેસિન નાટક તા. 18 જૂન, 2022 સુધી નેશનલ થિયેટરમાં દર્શાવાશે.