ભારતમાં બુધવારે કોરોનાના નવા 1,34,154 કેસ નોંધાયા હતા, જે અગાઉના દિવસના 1,32,788 કેસ કરતાં વધુ છે. જોકે મૃત્યુઆંક ગઈકાલના 3,207થી ઘટીને 2,887 થયો હતો. ભારતમાં કોરોનાના નવા કેસનો આંકડો સતત ઘટવાના કારણે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 17 લાખ પર પહોંચી ગઈ છે.
આરોગ્ય મંત્રાલયે બુધવારે સવારે જારી કરેલા ડેટા મુજબ છેલ્લાં 24 કલાકમાં વધુ 2,11,499 દર્દીઓ સાજા થયા હતા, જેની સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 2,63,90,584 થઈ ગઈ હતી. નવા કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધવાના કારણે એક્ટિવ કેસમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 17,13,413 થઈ હતી.
ભારતમાં વધુ 1.34 લાખ કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને 2,84,41,986 થઈ હતી. કુલ મૃત્યુઆંક 3,37,989 થયો હતો ભારતમાં કોરોનાના મૃત્યુઆંકમાં ધીમો ઘટાડો નોંધાઈ રહ્યો છે.
દેશમાં 16 જાન્યુઆરીએ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને રસી આપવાની મંજૂરી અપાઈ છે. મંગળવાર સુધીમાં દેશમાં કોરોનાની રસીના કુલ 22,10,43,693 ડોઝ આપવામાં આવ્યા હતા.
ICMRના જણાવ્યા મુજબ દેશમાં કોરોના ટેસ્ટ માટે કુલ 35,37,82,648 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં બુધવારે વધુ 21,59,873 સેમ્પલ લેવામાં આવ્યા હતા. ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થતા કોરોનાના ફેલાવા પર અંકુશ મેળવી શકાયો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.