ભારતની બીજા ક્રમની સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસિસે આગામી બે વર્ષમાં અમેરિકામાં 12,000 પ્રોફેશનલ્સની ભરતી કરવાની યોજના ઘડી છે. તેનાથી પાંચ વર્ષમાં અમેરિકામાં ભરતી માટેની સંખ્યા વધીને 25,000 થઈ છે. 2017માં ઇન્ફોસિસે બે વર્ષમાં 10,000 અમેરિકન પ્રોફેશનલ્સની ભરતી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને અમેરિકામાં અત્યાર સુધી રોજગારીની 13,000 તકનું સર્જન કર્યું છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વધારાની ભરતી સાથે ઇન્ફોસિસ વિવિધ ભૂમિકા માટે 2022 સુધીમાં વધારાના 12,000 પ્રોફેશનલ્સની ભરતી કરશે. કંપનીએ જણાવ્યું હતું કે ભવિષ્ય માટે મજબૂત માનવબળ ઊભું કરવા તે અનુભવી ટેકનોલોજી પ્રોફેશનલ્સ તથા અગ્રણી યુનિવર્સિટી, લિબરલ આર્ટસ કોલેજ અને કમ્યુનિટી કોલેજના ગ્રેજ્યુએટ્સને પણ ધ્યાનમાં રાખી રહી છે.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વહિવટીતંત્રે H1B વિઝા અંગે સંખ્યાબંધ નિયંત્રણો મૂક્યા છે ત્યારે ઇન્ફોસિસે આ હિલચાલ કરી છે.
નોર્થ અમેરિકા ઇન્ફોસિસ માટેનું સૌથી મોટું બજાર છે. 30 જૂન 2020ના રોજ કંપનીની કુલ આવકમાંથી 61.5 ટકા આ માર્કેટમાંથી થઈ હતી. કંપનીએ યુરોપમાંથી 24 ટકા અને વિશ્વના બાકીના દેશોમાંથી 11.6 ટકા આવક મેળવી હતી.
જૂન 2020ના ક્વાર્ટરના અંતે ઇન્ફોસિસના કર્મચારીની સંખ્યા 2,39,233 હતી. કંપનીના સીઇઓ સલિલ પારેખે જણાવ્યું હતું કે ઇન્ફોસિસ છેલ્લાં ત્રણ વર્ષથી અમેરિકામાં રોજગારીનું નિર્માણ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે અને મને ગર્વ છે કે 12,000 લોકોની ભરતી કરવાની આ નવી યોજના અગાઉના પ્રયાસોને વધુ વેગ આપશે.