રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) સાથે જોડાયેલા મેગેઝિન પંચજન્યમાં ઈન્ફોસિસ લિમિટેડ રાષ્ટ્ર વિરોધી પરિબળો સાથે સામેલ હોવાના આક્ષેપ પછી ઈન્ફોસિસના ભૂતપૂર્વ ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર ટીવી મોહનદાસ પાઈએ કહ્યું કે, બિઝનેસ માટે આ પ્રકારની રાજકીય ભાષાનો પ્રયોગ ન કરવો જોઈએ. આરએસએસ સાથે સંબંધ રાખતા મેગેઝિન પાંચજન્યએ ઈન્ફોસિસ લિમિટેડ પર આરોપ લગાવ્યો હતો કે, કંપની નક્સલીઓ, લેફ્ટિસ્ટ અને ટુકડે-ટુકડે ગેંગ સાથે મળીને કામ કરે છે.
મોહનદાસ પાઈએ કહ્યું કે, આ લેખ કેટલાક સનકી વિચારો ધરાવતા લોકો દ્વારા લખાયો છે અને ઈન્ફોસિસ હંમેશાથી જ દેશહિતમાં ઊભી રહેનારી કંપની છે. મોહનદાસ પાઈએ એક વેબસાઈટને કહ્યું કે, ‘ઈનકમ ટેક્સ વિભાગનું ઈ-ફાઈલિંગ પોર્ટલ જો યૂઝર્સની અપેક્ષા મુજબ કામ નથી કરી રહ્યું તો તેના માટે ઈન્ફોસિસની ટીકા કરી શકાય છે, પરંતુ તેને દેશ વિરોધી કહેવું અને તેને કોઈ ષડયંત્રનો ભાગ જણાવવું ખોટું છે.’
મોહનદાસ પાઈએ કહ્યું કે, આપણે એકજૂથ થઈને આવા મૂર્ખતાપૂર્ણ નિવેદનોની ટીકા કરવી જોઈએ. આરએસએસ સાથે સંબંધિત પંચજન્યએ ઈન્ફોસિસ ‘શાખ અને આઘાત’ શીર્ષક હેઠલ ચાર પેજની કવર સ્ટોરી છાપી અને કવર પેજ પર ઈન્ફોસિસ લિમિટેડના સંસ્થાપક નારાયણ મૂર્તિની તસવીર છાપી હતી. લેખમાં બેંગલુરુની આ આઈટી કંપની પર નિશાન સધાયું છે. ઈન્ફોસિસ દ્વારા તૈયાર કરાયેલા ઈનકમ ટેક્સ પોર્ટલમાં નિયમિત રીતે સમસ્યા આવે છે, જે કારણે કરદાતાઓ અને રોકાણકારોને મુશ્કેલી થાય છે, તે જણાવતા લેખમાં કહેવાયું છે કે, સતત સામે આવી રહેલી આવી ઘટનાઓએ ભારતીય અર્થવ્યવસ્થામાં કરદાતાઓનો વિશ્વાસ ઓછો કરી દીધો છે. જોકે આ આર્ટિકલ પોતાના વિચારો ન હોવાની આરએસએસએ સ્પષ્ટતા કરી હતી.
