આર્થિક કટોકટીમાં ફસાયેલા પાકિસ્તાનમાં મોંઘવારી પણ માઝા મૂકી રહી છે અને લોકો માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે. પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (PBS)ના ડેટા અનુસાર 22 માર્ચે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન સંવેદનશીલ ભાવ સૂચકાંક (SPI) આધારિત ફુગાવો વાર્ષિક ધોરણે 47 ટકા થયો હતો. ડીઝલના ભાવમાં 102.84 ટકા, કેળાના ભાવમાં 89.84 ટકા, પેટ્રોલના ભાવમાં 81.17 ટકા અને ઇંડાના ભાવમાં 79.56 ટકાનો વધારો થયો છે.
પાકિસ્તાનમાં ડુંગળીના ભાવમાં 228.28 ટકા, સિગારેટના ભાવમાં 165.88 ટકા, ઘઉંના લોટમાં 120.66 ટકા, ગેસના ભાવમાં 108.38 ટકા અને લિપ્ટન ચાના ભાવમાં 94.60 ટકાનો જંગી વધારો થયો હતો.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના અધિકારીએ જણાવ્યું છે કે ઈંધણની કિંમત નિર્ધારણ અંગેની યોજનાનું સમાધાન થઈ જાય પછી પાકિસ્તાન અને આઇએમએફ વચ્ચે લાંબા સમયથી રાહ જોવાતા લોન કરાર પર હસ્તાક્ષર કરાશે. ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલું પાકિસ્તાન આઇએમએફ પાસેથી 1.1 બિલિયન ડોલરની લોન માટે અધીરું બન્યું છે. લોકો માટે જીવનજરૂરી ચીજવસ્તુઓની પણ અછત સર્જાઈ છે. આયાત કરવા માટે પૂરતા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ નથી અને રાજકીય અસ્થિરતા વધી રહી છે.