પેટ્રોલ અને ગેસની વધતી કિંમતના કારણે ફુગાવાનો દર છેલ્લા 30 વર્ષમાં સૌથી વધુ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આને કારણે જીવનનિર્વાહના વધતા ખર્ચ સાથે પહેલેથી જ સંઘર્ષ કરી રહેલા પરિવારો પર દબાણ વધ્યું છે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ અનુસાર ઈંધણના ભાવમાં વિક્રમી ઉછાળાએ માર્ચમાં ફુગાવાને 7 ટકા વધાર્યો હતો. યુક્રેનમાં યુદ્ધની અસરથી જીવનનિર્વાહ ખર્ચ, તેલ અને ગેસના ભાવો, પરિવહન અને કાચા માલના ભાવમાં વધારો થયો હતો. ઈંધણની કિંમતમાં 9.9 ટકાનો વધારો સૌથી મોટો માસિક વધારો છે. લૉકડાઉનના નિયંત્રણો હટ્યા બાદ કપડાં અને ફૂટવેરની કિંમતમાં 9.7 ટકાનો વધારો થયો હતો.
બેન્ક ઓફ ઈંગ્લેન્ડની અપેક્ષા કરતાં ફુગાવો ઝડપથી વધી રહ્યો છે. ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટીના આગાહીકારે ગયા મહિને જણાવ્યું હતું કે આ વર્ષે બીજી વખત ઊર્જાના બિલમાં વધારો થવાથી ઓક્ટોબરમાં ફુગાવો 8.7 ટકા વધશે જેથી તે 40 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચશે.