આર્થિક કટોકટીમાં ફસાયેલા પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે. દેશમાં વાર્ષિક ફુગાવો ઉછળીને 38.42 ટકાની નવા ઊંચા સ્તરે પહોંચ્યો છે. દેશમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો સતત ચાલુ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળની શરતોનું પાલન કરવા માટે સરકારે નવા ટેક્સ ઝીંક્યા છે તથા પેટ્રો પેદાશોના ભાવમાં કમરતોડ વધારો કર્યો છે, તેનાથી ફુગાવાને વેગ મળ્યો છે. સાપ્તાહિક ધોરણે 34 ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો હતો.
પાકિસ્તાન હાલમાં ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી સહાય મેળવવાના પ્રયાસોમાં મુશ્કેલી ઊભી થઈ છે. આઇએમએફની ટીમ એક વખત ઇસ્લામાબાદમાં આવ્યા પછી લોન આપ્યા વગર પરત ગઈ છે. આઇએમએફએ લોન છુટી કરવા માટે આકરી શરતો મુકી છે.