તાજેતરના સપ્તાહોમાં વૈશ્વિક ઊર્જાના ભાવમાં ઘટાડો થતા યુકેનો ફુગાવો ઝડપથી ઘટી શકે છે એમ બેંક ઓફ ઈંગ્લેન્ડના વડા એન્ડ્રુ બેઈલીએ જણાવ્યું છે જો કે કામદારોની અછત હજુ પણ કોસ્ટ ઓફ લીવીંગ ક્રાઇસીસ માટે મોટું જોખમ ઊભું કરી શકે છે.
એન્ડ્રુ બેઇલીએ કોમન્સ ટ્રેઝરી કમિટીના સાંસદોને જણાવ્યું હતું કે યુક્રેન પર રશિયાના આક્રમણને કારણે જથ્થાબંધ ઉર્જા ખર્ચમાં વધારો થયો તે પછી 1980ના દાયકા બાદ ઉચ્ચ સ્તરે પહોંચ્યા પછી યુકેનો ફુગાવાનો દર આ વર્ષે નોંધપાત્ર રીતે પાછો આવી શકે છે.
કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ મુજબ વાર્ષિક ફુગાવાનો દર નવેમ્બરમાં ઘટીને 10.7% પર આવી ગયો હતો જે એક મહિના અગાઉ 11.1%ની 41 વર્ષની ઊંચી સપાટીએ હતો. ડિસેમ્બરના સત્તાવાર આંકડા, બુધવારે નિયત કરાશે અને આશા છે કે ફુગાવાનો દર 10.6% રહેશે જો કે તે હજુ પણ બેન્ક ઓફ ઈંગ્લેન્ડના 2% લક્ષ્યાંકથી વધુ હશે.
બેઇલીએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં લિઝ ટ્રસના વિનાશક મિની-બજેટને પગલે યુકેની મિલકતો પરનું જોખમ પ્રીમિયમ હવે “ખૂબ જ ઓછું થઈ ગયું છે”. સરકારી બોન્ડના વેચાણથી આશરે £3.8 બિલિયનનો નફો થયો હતો.
આગામી મહિનાની શરૂઆતમાં બેંક સતત 10મી વખત વ્યાજદરમાં વધારો કરવાનું વિચારી રહી છે અને સિટીના રોકાણકારો વર્તમાન બેઝ રેટ 3.5% થી વધુના વધારાની અપેક્ષા રાખી રહ્યા છે.
ઋષિ સુનકે પણ આ વર્ષે ફુગાવાનો દર અડધો કરવાનો સંકલ્પ કર્યો છે. ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી, ટ્રેઝરી વોચડોગ દ્વારા નવેમ્બરમાં કરાયેલી આગાહી સૂચવે છે કે વર્ષના અંત સુધીમાં ફુગાવો 4%થી નીચે જવાના માર્ગ પર છે.