નવા નાણાકીય વર્ષના પ્રારંભ સાથે દેશમાં કોમર્શિયલ એલપીજી, વિમાનના ઇંધણ, સીએનજી અને ડીએપી ખાતર સહિતની વસ્તુઓમાં જંગી ભાવવધારો ઝીંકાયો હતો. વિમાનના ઇંધણ એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)માં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. એટીએફના ભાવમાં ચાલુ વર્ષે સતત સાતમો વધારો થયો છે અને તેના ભાવ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એટીએફના ભાવ કિલોલીટર દીઠ રૂ.2,258.54 (બે ટકા) વધીને કિલોલીટર દીઠ 1,12,924.83 થયા હતા, એમ સરકાર માહિલીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓના નોટિફિકેશનમાં જણાવાયું હતું.
હોટેલ અને રેસ્ટોરાં જેવા કોમર્શિયલ એકમો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા એલપીજીના ભાવ 19 કિગ્રાના સિલિન્ડર દીઠ રૂ.249.50 વધારીને રૂ.2,253 કરવામાં આવ્યા હતા. જોકે ઘરના રસોડામાં વપરાતા કુકિંગ એલપીજીના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. 22 માર્ચે કુકિંગ એલપીજીના ભાવ સિલિન્ડર દીઠ રૂ.50 વધારીને રૂ.949.50 કરવામાં આવ્યા હતા. એ જ રીતે પેટ્રોલ અને ડીઝલના લભાવમાં શુક્રવારે કોઇ ફેરફાર થયો ન હતો. જોકે છેલ્લાં 11 દિવસમાં આ ઓટો ઇંધણના ભાવમાં લીટર દીઠ રૂ.6.40નો વધારો થયો છે.
જેટ ઇંધણના ભાવની દર મહિને પહેલી અને 16મી તારીખે સમીક્ષા કરવામાં આવે છે, જ્યારે એલપીજીના રેટમાં મહિનામાં એક વખત ફેરફાર કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દૈનિક ધોરણે ફેરફાર થાય છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સીએનજીના ભાવમાં કિગ્રા દીઠ 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ઇન્દ્રપ્રસ્થ ગેસની વેબસાઇટમાં ઉપલબ્ધ માહિતી મુજબ રાષ્ટ્રીય રાજધાની વિસ્તારમાં સીએનજીના ભાવ કિગ્રા દીઠ રૂ.60.01થી વધારીને રૂ.60.81 કરવામાં આવ્યા છે. છેલ્લાં એક મહિનામાં સીએજીના ભાવમાં આ છઠ્ઠો વધારો છે.