(ANI Photo)

ઇન્ફોસિસના સહ-સ્થાપક એન.આર. નારાયણ મૂર્તિએ તાજેતરમાં જણાવ્યું હતું કે સરકારે પ્રાથમિકતાના આધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરપ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાની જરૂર છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ઉદ્યોગે એકને બદલે ત્રણ પાળીમાં કામ કરવું જોઈએ. મૂર્તિની ટિપ્પણી બુધવારે બેંગલુરુ ટેક સમિટમાં ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ સાથેની વાતચીત દરમિયાન આવી હતી. આ સમીટમાં આગામી 5-10 વર્ષમાં બેંગલુરુના વિકાસ માટેની જરૂરિયાતો અંગે ચર્ચા કરવામાં આવી.

ઝડપી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઉપરાંત, તેમણે અંગ્રેજી માધ્યમની શાળાઓ અને શહેરની પ્રગતિ માટે ઝડપી સરકારી નિર્ણયો અંગે પણ પ્રકાશ પાડ્યો હતો.

ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ થોડા દિવસો અગાઉ કહ્યું હતું કે યુવાનોએ સપ્તાહમાં 70 કલાક કામ કરવાની તૈયારી રાખવી જોઈએ. આ વાતના કારણે ઘણો વિવાદ થયો હતો. હવે મૂર્તિએ બીજું એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. મૂર્તિએ કહ્યું છે કે લોકોને કંઈ પણ મફતમાં મળવું ન જોઈએ. તેમનો ઈશારો લોકોને મળતી સબસિડી તરફ હતો. જે લોકો સરકારની સેવાઓ મેળવે છે તેમણે વળતું યોગદાન પણ આપવું જોઈએ. તેમણે લોકોને મફતમાં ચીજવસ્તુઓ અને સબસિડી આપવાનો વિરોધ કર્યો હતો.

તેમણે કહ્યું કે ભારતને એક પ્રગતિશીલ દેશ બનાવવો હોય તો દયાભાવના સાથેનો મૂડીવાદ એ એકમાત્ર ઉકેલ છે. તમે જ્યારે કોઈ સેવા આપો, સબસિડી આપો ત્યારે તમને કંઈક પરત પણ મળવું જોઈએ. ઉદાહરણ તરીકે સરકાર કહે કે હું લોકોને મફતમાં વીજળી આપીશ. તો તે કહેવા માટે બહુ સારી વાત છે, પરંતુ તેની સામે પ્રાથમિક શાળા અને મિડલ સ્કૂલમાં બાળકોની હાજરીમાં પણ 20 ટકાનો વધારો થવો જોઈએ.

તેમણે જણાવ્યું કે હું ફ્રી સર્વિસ આપવાનો વિરોધી નથી. એક સમયે મારી આર્થિક સ્થિતિ પણ બહુ નબળી હતી તેથી હું આ વાત સમજું છું. પરંતુ જે લોકોએ મફતમાં સબસિડી મેળવી હોય તેમણે કંઈક પરત પણ આપવું જોઈએ. તેમણે બાળકોની નવી પેઢીના વિકાસ માટે કંઈક કરવું જોઈએ. જેમ કે તેઓ પોતાના બાળકોને શાળા મોકલી શકે છે જેથી તેઓ વધુ સારો દેખાવ કરી શકે.

તેમણે કહ્યું કે ભારતને કાર્યક્ષમ, ભ્રષ્ટાચાર રહીત અને અસરકારક દેશ બનાવવો હોય તો ટેક્સનું પ્રમાણ વિકસીત દેશો કરતા પણ ઉંચું રાખવું પડશે. તેથી પર્સનલી મારું માનવું છે કે ઉંચો ટેક્સ ચૂકવવામાં કંઈ ખોટું નથી. એક સમયે ચીનમાં પણ આપણા જેવી જ સમસ્યા હતી. પરંતુ હવે તેનો જીડીપી આપણા કરતા છ ગણો વધી ગયો છે. તેથી આપણા રાજકીય લીડર્સને મારી વિનંતી છે કે ચીનનો બહુ કાળજીપૂર્વક અભ્યાસ કરો. ત્યાર પછી જુઓ કે ચીન પાસેથી કઈ સારી ચીજો શીખી શકાય છે જેથી ભારત પણ ચીન જેટલી જ ઝડપથી વૃદ્ધિ કરી શકે અને દેશની ગરીબીમાં ઘટાડો થાય.

LEAVE A REPLY