કોરોના મહામારીના કારણે બિઝનેસ અને અર્થતંત્રને ભારે નુકસાન થયું છે ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સતત બીજા વર્ષે પગાર, ભથ્થા કે કમિશન લેવાનું ટાળ્યું છે. રિલાયન્સે તાજેતરમાં તેના રિઝલ્ટ જાહેર કર્યા તેમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21 માટે તેમણે ‘શૂન્ય’ પગાર લીધો હતો. જૂન 2020માં મુકેશ અંબાણીએ સ્વૈચ્છિક રીતે નિર્ણય લીધો હતો કે તેઓ 2020-21નો પગાર જતો કરશે.
2008-09માં તેમણે પોતાનો પગાર 15 કરોડ રૂપિયા સુધી મર્યાદિત કર્યો હતો. તેમણે 2019-20માં 15 કરોડ રૂપિયાનો વાર્ષિક પગાર લીધો હતો. છેલ્લા 11 વર્ષથી તેમના પગારમાં કોઈ વધારો થયો ન હતો. 2008માં તેમણે પોતાનો પગાર ઘટાડીને 15 કરોડ કર્યો તે અગાઉ તેમને રૂ. 24 કરોડનો પગાર મળતો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં મુકેશ અંબાણીના કઝિન નિખિલ અને હિતલ મેસવાનીનો પગાર રૂ. 24 કરોડ છે. પરંતુ આ વખતે તેમાં 17.28 કરોડ રૂપિયાનું કમિશન પણ સામેલ છે. કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર PMS પ્રસાદ અને પવન કુનાર કપિલના વેતનમાં પણ સાધારણ ઘટાડો થયો છે. PMS પ્રસાદનો પગાર 11.99 કરોડથી ઘટીને 11.89 કરોડ થયો છે. પવન કુમાર કપિલનો પગાર 4.24 કરોડથી ઘટીને 4.22 કરોડ થયો છે.