ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ટીવી એન્કર ઇસુદાન ગઢવીને મુખ્યપ્રધાનના ઉમેદવાર જાહેર કર્યા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી ફરીથી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. ઇન્દ્રનીલ આમ આદમી પાર્ટીના મહામંત્રી હતી અને તેઓ રાજકોટના રિયલ્ટર છે.ઇસુદાન ગઢવીને મુખ્યપ્રધાનના ઉમેદવાર જાહેર કરતાં રાજ્યગુરૂ અને અન્ય એક દિગ્ગજ નેતા રાજભા ઝાલાએ પણ નારાજગી વ્યક્ત કરી હતી.
આમ આદમી પાર્ટી છોડીને ફરીથી કોંગ્રેસમાં જોડાનારા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ પાર્ટી પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે આપ તકવાદી પાર્ટી છે અને તે ભાજપની બી-ટીમ છે. પાર્ટીમાં કોઈનું સાંભળવામાં આવતું નથી. બપોરે રાજકોટમાં આપ સાથે રહેલા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ શુક્રવારે સાંજે અચાનક જ દિલ્હી પહોંચી ગયા હતા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, જીપીસીસી પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓની હાજરીમાં તેમણે કોંગ્રેસનો ખેસ પહેરી લીધો હતો.
આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને મનોજ કથિરિયાનું નામ પણ ચર્ચામાં હતું. ગોપાલ ઈટાલિયા પણ આ દોડમાં હતા. પરંતુ, આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ તરીકે પત્રકારમાંથી રાજકારણમાં આવેલા ઈસુદાન ગઢવીનું નામ જાહેર કર્યું હતું.
રાજભા ઝાલાએ પણ નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આપ દ્વારા ઈસુદાન ગઢવીને પ્રધાન પદના ચહેરા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ઘણી સારી વાત છે કેમ કે ઈસુદાન ગઢવી લોકોની પીડા સમજે છે. પરંતુ જ્યારે કોઈ પણ પક્ષમાં મુખ્યમંત્રી પદનો ચહેરો નક્કી કરવામાં આવે છે ત્યારે ધારાસભ્યોની બહુમતીને ધ્યાનમાં લેવામાં આવે છે. જોકે, આવી કોઈ પણ પ્રક્રિયા કર્યા વગર જ ઈસુદાન ગઢવીના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.