અમેરિકાની દિગ્ગજ કંપની પેપ્સિકોના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) ઇન્દ્રા નૂયીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમણે ક્યારેય વેતન વધારો માગ્યો નથી અને નાણાકીય કટોકટી વખતે પગાર વધારો લેવાનો ઇનકાર કર્યો હતો.
ન્યૂ યોર્ક ટાઇમ્સ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે “મે ક્યારેય વધારો માંગ્યો નથી. મને તે મુંઝવણભર્યું લાગે છે. કોઇના માટે કામ કરવું અને મારો પગાર પૂરતો નથી તેવું કહેવાની મે ક્યારેય કલ્પના કરી નથી.”
અમેરિકાના શેરબજારના બેન્ચમાર્ક ઇન્ડેક્સ એસ એન્ડ પી 500માં સામેલ કુલ કંપનીઓમાંથી માત્ર 31 કંપનીઓના વડા મહિલા છે. પેપ્સિકોના વડા તરીકે 2018માં ન્યૂએ હોદ્દો છોડ્યો ત્યારે મહિલાઓનું પ્રમાણ ઘણું નીચું હતું. સીઇઓ તરીકેના છેલ્લાં વર્ષમાં પણ નૂયીનું વેતન અમેરિકાની ટોચની કંપનીઓના એક્ઝિક્યુટિવ્ય કરતાં ઘણું ઓછું હતું.
નૂયીએ જણાવ્યું હતું કે “મે મારા બોર્ડ સમક્ષ વધુ વેતન આપવાની ક્યારેય માગણી કરી ન હતી. હકીકતમાં એક વર્ષે બોર્ડે મને વેતનવધારો આપ્યો હતો અને મે કહ્યું હતું કે મને તેની જરૂર નથી. તેમણે કહ્યું શા માટે નહીં. તે નાણાકીય કટોકટી પછી તમારો હક છે. તેથી મે કહ્યું હતું કે હું વેતનવધારો ઇચ્છતી નથી.” નૂયી હાલમાં એમેઝોનના બોર્ડમાં છે અને તાજેતરમાં “માય લાઇફ ઇન ફુલ.” નામના સંસ્મરણ પુસ્તકને પ્રકાશિત કર્યું છે.