કોરોનાના કેસમાં ફરી વધારાને પગલે મધ્યપ્રદેશ સરકારે રાજધાની ભોપાલ અને ઇન્દોરમાં 17 માર્ચથી અનિશ્ચિત મુદત માટે નાઇટ કર્ફ્યુ લાદવાનો મંગળવારે નિર્ણય કર્યો કર્યો હતો. આ ઉપરાંત રાજ્યમાં આઠ શહેરોમાં બજારો રાત્રે 10 વાગ્યાથી બંધ કરાવવામાં આવશે તથા મહારાષ્ટ્રમાંથી મધ્યપ્રદેશ આવતા લોકોનું થર્મલ સ્કેનિંગ શરૂ રહેશે અને તેવા લોકોને એક અઠવાડિયા સુધી આઇસોલેશનમાં રહેવું પડશે.
ભોપાલમાં મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મળેલી કોરોના સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભોપાલ અને ઇંદૌરમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો નાઇટ કરફ્યૂ રહેશે. છે. જો આ બંને શહેરમાં કોરોના કેસમાં ઘટાડો ના થયો તો અઠવાડિયામાં એક દિવસ સંપૂર્ણ લોકડાઉન પણ લાગુ થઇ શકે છે. આ સાથે જ મધ્યપ્રદેશના 8 શહેરોમાં રાત્રે 10 વાગ્યા બાદ તમામ બજાર બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. આ 8 શહેરોમાં જબલપુર, ગ્વાલિયર, ઉજ્જૈન, રતલામ, છિંદવાડા, બુરહાનપુર, બૈતૂલ અને ખરગોનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશના ઇન્દોર અને ભોપાલ આવતા મુસાફરોએ આગમન સમયે કોરોનાવાઇરસ નેગેટિવ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. મધ્યપ્રદેશમાં સોમવારે કોરોના વાઇરસના 797 કેસ નોંધાયા હતા અને તેનાથી કુલ કેસની સંખ્યા વધીને 2,69,391 થયા હતા. રાજ્યમાં વધુ ત્રણના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 3,890 થયો હતો.