ભૂતપૂર્વ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ હેનરી કિસિંગરનું નિધન થતાં ભારતમાં કોંગ્રેસના નેતા જયરામ રમેશે તેમને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 1971માં તત્કાલીન અમેરિકન પ્રેસિડેન્ટ રિચર્ડ નિક્સન અને કિસિંગર ભારત માટે ભારે દર્દદાયક બની ગયા હતા. પરંતુ તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી અને તેમના નજીકના સાથી પીએન હક્સર તેઓ પર વધુ ભારે સાબિત થયા હતા. અમેરિકા વિયેતનામમાંથી નીકળી ગયા પછી તેઓ વિદેશ નીતિ પર પ્રભુત્વ ધરાવતા હતા.
સોશિયલ મીડિયા X (ટ્વીટર) પર એક પોસ્ટમાં, જયરામ રમેશે જણાવ્યું હતું કે, “હેનરી કિસિંગરનું નિધન થયું છે. તેઓ જેટલા મોટા વિવાદાસ્પદ હતા એટલા જ પરિણામલક્ષી હતા. તેમના લાંબા અને પ્રાસંગિક જીવનમાં તેમના પ્રત્યે ખુશી અને ટીકા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ તેમની તીવ્ર બુદ્ધિ ચાતુર્ય અને અદભુત કરિશ્મા સામે શંકાને કોઇ સ્થાન નથી.”
જયરામ રમેશે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દસકાથી, કિસિંગર પોતાને ભારતના એક મોટા મિત્ર અને સમર્થક માનતા હતા અને ખરેખર તેઓ હતા જ.
“પરંતુ તેવું હંમેશા નહોતું અને ખાસ તો 1971માં, પ્રેસિડેન્ટ નિક્સન અને તેમણે ભારત માટે માથાનો ભારે દુખાવો ઊભો કર્યો હતો અને તેઓ માનતા હતા કે તેમણે આપણને અલગ કરી દીધા છે. જોકે, ઇન્દિરા ગાંધી અને પીએન હક્સર તેમનાથી સવાયા સાબિત થયા હતા.”
“મેં મારા પુસ્તક ‘ઇન્ટરટ્વીન્ડ લાઇવ્સઃ પીએન હક્સર એન્ડ ઇન્દિરા ગાંધી’માં કિસિંગર-હક્સર અને નિકસન-ઇન્દિરા ગાંધીની મુલાકાતોનું જુની વિગતો સાથે વર્ણન કર્યું છે.” આ ઉપરાંત જયરામ રમેશ વધુમાં જણાવ્યું હતું કે, ગેરી બાસે તેમના પુસ્તક ‘ધ બ્લડ ટેલિગ્રામ: નિક્સન, કિસિંગર એન્ડ અ ફર્ગોટન જેનોસાઈડ’માં કિસિંગરને 1971ની ઘટનાઓમાં બાંગ્લાદેશના ઉદભવ સુધીની તેમની ભૂમિકા માટે ગંભીર રીતે દોષિત ઠેરવ્યા હતા.