ભારતની એરલાઇન ઈન્ડિગોએ તેના મુસાફરોની નવી સુવિધા માટે જાહેરાત કરી છે કે હવે તે પ્લેનમાંથી પોતાના પેસેન્જરોને બહાર નીકળવા માટે ત્રણ દરવાજાની સુવિધા આપશે. આનાથી મુસાફરો વહેલી તકે વિમાનમાંથી બહાર નીકળી શકશે. આ 3-પોઇન્ટ એક્ઝિટની મદદથી, મુસાફરો 2 આગળ અને 1 પાછળના એક્ઝિટ રેમ્પથી પ્લેનમાંથી બહાર નીકળી શકશે. પ્લેનમાં 3-પોઇન્ટ એક્ઝિટની સગવડ લાવનારી તે વિશ્વની પહેલી એરલાઈન બનશે. નવી સિસ્ટમ માત્ર 7 થી 8 મિનિટમાં મુસાફરોને વિમાનમાંથી ઉતારી લેશે.
શરૂઆતના તબક્કામાં એરલાઇન દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ એરપોર્ટ માટે આ નવી પ્રોસેસ ચાલુ કરશે. દૂરના પાર્કિંગ સ્ટેન્ડ કે બ્રિજથી દૂર પાર્ક કરેલી ફ્લાઇટ માટે આ સુવિધા ચાલુ કરવામાં આવશે. કંપની તબક્કાવાર ધોરણે દેશના બીજા એરપોર્ટ પર પણ આ સુવિધા આપવાની યોજના ધરાવે છે. ઇન્ડિગોના સીઇઓ રોનોજોય દત્તાએ પત્રકારોને જણાવ્યું હતું કે એ-320 વિમાનમાંથી પેસેન્જર્સને ઉતારવામાં આશરે 13 મિનિટ લાગતી હોય છે. જોકે નવી પ્રોસેસથી આ કવાયત ઝડપી બનશે અને મુસાફરો માટે એક્ઝિટ થવાનો સમય 13 મિનિટથી ઘટીને 7 મિનિટ થશે.