ભારતીય મહિલા ક્રિકેટમાં પણ હવે ધરખમ ફેરફાર થઈ રહ્યાં છે. ટોચના સિનિયર ખેલાડીઓ હવે નિવૃત્તિના માર્ગે આગળ ધપી રહ્યા છે. મિતાલી રાજ પછી વધુ એક મહિલા ક્રિકેટર – ઝુલન ગોસ્વામીએ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
ભારતની સુપર ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી 24 સપ્ટેમ્બરે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે રમશે. ઝુલનના નામે મહિલા વનડેમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ છે.
તેમણે 201 મેચમાં 252 વિકેટ લીધી છે. મહિલા વનડે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. તેણે વર્લ્ડ કપની 34 મેચમાં 43 વિકેટ લીધી છે.
39 વર્ષની ઝુલન ઈંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમમાં પસંદ કરાઈ છે. જો કે, તેનો કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય T20 ટીમમાં સમાવેશ કરાયો નહોતો.
ગોસ્વામીએ કરિયરમાં 12 ટેસ્ટ, 201 વન-ડે અને 68 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 44 વિકેટ, વન-ડેમાં 252 અને ટી-20 ઇન્ટરનેશનલ્સમાં 56 વિકેટ લીધી છે. વર્લ્ડ કપમાં ઝુલને બે વખત 4-4 વિકેટની સિદ્ધિ મેળવી છે. ઝુલન ગોસ્વામી પર એક મૂવી પણ બની રહી છે અને તેમાં તેનો રોલ અનુષ્કા શર્મા ભજવશે.