ભારતીય ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે એશિયા કપ ટી-20ના ભારત – પાકિસ્તાન મુકાબલામાં થોડી ઉત્તેજના પછી ભારતે રવિવારે રાત્રે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવી શાનદાર વિજય હાંસલ કર્યો હતો. આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર્સ છવાયા હતા, તો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ મક્કમતાપૂર્વકની બેટિંગ સાથે ભારતના વિજય સાથે ચાહકો, દુબઈના સ્ટેડિયમમાં મેચ નિહાળવા પહોંચેલા ભારતીય ટીમના સમર્થકોને ખુશ કરી દીધા હતા. આ મેચમાં ભુવનેશ્વર કુમારે પાકિસ્તાન સામે ટી-20માં ભારતીય ફાસ્ટ બોલર માટેનો શ્રેષ્ઠ દેખાવનો રેકોર્ડ કર્યો હતો, તો હાર્દિક પંડ્યાને તેના ઓલરાઉન્ડ પરફોર્મન્સ માટે પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.
ભારતના સુકાની રોહિત શર્માએ ટોસ જીતી પહેલા પાકિસ્તાનને બેટિંગમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો. છેલ્લી ઓવરનો એક બોલ બાકી હતો ત્યારે પાકિસ્તાન 147 રનના ખાસ પડકારજનક કહી ના શકાય તેવા સ્કોરમાં ઓલઆઉટ થયું હતું ત્યારે આ નિર્ણય યોગ્ય પણ લાગ્યો હતો. ભુવીએ પોતાની બીજી જ ઓવરમાં પાકિસ્તાનના સુકાની અને સૌથી વધુ આક્રમક બેટ્સમેન ગણાતા બાબર આઝમની વિકેટ ઝડપી લેતા પાકિસ્તાન ચાહકોમાં એક પળ માટે તો સન્નાટો છવાઈ ગયો હતો. 13મી ઓવરમાં પાકિસ્તાને ત્રીજી વિકેટ ગુમાવી ત્યાં સુધી તો બાજી તેમના માટે બરાબર રહી હતી, પણ એ હાર્દિક પંડ્યાની બોલિંગના તરખાટની શરૂઆત રહી હતી, એ પછી તેણે 15મી ઓવરમાં બે વિકેટ ખેરવી પાકિસ્તાની બેટિંગને દબાણમાં લાવી દીધી હતી. એક તબક્કે 87 રને બે વિકેટની આરામદાયક સ્થિતિમાંથી પાકિસ્તાન 97 રનમાં પાંચ વિકેટ ગુમાવી ભીંસમાં આવી ગયું હતું. નીચલા ક્રમના બેટર રઉફે 13 અને દહાનીએ 16 રન કરી ટીમને થોડો લડાયક સ્કોર આપ્યો હતો. ભુવીની ચાર સિવાય હાર્દિક પંડ્યાએ ત્રણ, અર્શદીપ સિંઘે બે તથા આવેશ ખાને એક વિકેટ લીધી હતી. પાકિસ્તાન તરફથી ઓપનર રિઝવાનના 43 અને ઈફતિખાર એહમદના 28 રન મુખ્ય હતા.
જવાબમાં ભારતની શરૂઆત પણ ખરાબ રહી હતી. ઓપનર રાહુલ તો પહેલા જ બોલ વિદાય થઈ ગયો હતો. કોહલીએ ઝમકદાર નહીં છતાં સંગીન બેટિંગ કરી 34 બોલમાં 35 તેમજ રવિન્દ્ર જાડેજાએ થોડી આક્રમક રમત સાથે 29 બોલમાં 35 રન કર્યા હતા, તો હાર્દિક પંડ્યાએ 17 બોલમાં અણનમ 33 કર્યા હતા અને છેલ્લી ઓવરમાં ચોથા બોલે શક્તિશાળી સ્ટ્રોક સાથે છગ્ગો મારી ભારતને વિજયની મંઝિલે પહોંચાડી દીધું હતું. પાકિસ્તાન તરફથી નસીમ શાહે બે તથા મોહમ્મદ નવાઝે ત્રણ વિકેટ લીધી હતી.