ભારતીય ક્રિકેટ ટીમે તેની ગયા સપ્તાહે પુરી થયેલી દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની સીરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં અનેક રેકોર્ડ તોડવાની સાથે 31 વર્ષ પછી દ. આફ્રિકામાં ટેસ્ટ મેચમાં વિજય હાંસલ કર્યો હતો અને સીરીઝ 1-1થી ડ્રો કરી હતી.
પાંચ દિવસની આ ટેસ્ટ મેચ લગભગ દોઢ દિવસમાં જ પુરી થઈ ગઈ હતી. સુકાની ડીન એલ્ગરે ટોસ જીતી પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો, પણ મોહમ્મદ સિરાજની કાતિલ બોલિંગ અને જસપ્રીત બુમરાહ તથા મુકેશ કુમારે પણ તેને સમર્થન આપતી વેધક બોલિંગ દ્વારા યજમાન ટીમને લંચ સુધીમાં તો ફક્ત 23.2 ઓવરમાં 55 રનમાં ઓલઆઉટ કરી નાખ્યું હતું.
ભારત સામે કોઈપણ ટીમનો ટેસ્ટ મેચની એક ઈનિંગનો આ સૌથી ઓછા સ્કોરનો નવો રેકોર્ડ થયો હતો. સિરાજે પોતાની ટેસ્ટ કેરિયરનો શ્રેષ્ઠ દેખાવ કરતાં સળંગ 9 ઓવર બોલિંગ કરી ત્રણ મેઈડન સાથે માત્ર 15 રનમાં છ વિકેટ ખેરવી હતી. તો મુકેશ કુમારે 2.2 ઓવરમાં એકેય રન આપ્યા વિના બે વિકેટ લીધી હતી.
એ પછી ભારતની પહેલી ઈનિંગમાં પણ દ. આફ્રિકાની તુલનાએ સારી શરૂઆત થયા પછી રેકોર્ડ ધબડકો થયો હતો. રોહિત શર્માની ટીમે 34.5 ઓવરમાં 153 રન કરી પહેલી ઈનિંગમાં મહત્ત્વની 98 રનની સરસાઈ તો મેળવી હતી, પણ દ. આફ્રિકાના બોલર્સે ભારતની છેલ્લી છ વિકેટ એક પણ રનના ઉમેરા વિના, 11 બોલમાં ખેરવી નાખી હતી. 153 રનના સ્કોરે શ્રેયસ ઐયર આઉટ થયા પછી રવિન્દ્ર જાડેજા, બુમરાહ, સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના પેવેલિયન ભેગા થયા હતા. દ. આફ્રિકાના રબાડા, એન્ગિડી અને નાન્દ્રે બર્ગરે 3-3 વિકેટ લીધી હતી.
ચાના વિરામ પછી ભારતીય ઈનિંગ નાટ્યાત્મક રીતે સંકેલાઈ ગઈ હતી અને દિવસના અંતે દ. આફ્રિકાએ બીજી ઈનિંગમાં ત્રણ વિકેટે 62 રન કર્યા હતા. એડન માર્ક્રમે એકલા હાથે ઝઝૂમી સદી ફટકારી હતી, પણ એકંદરે લંચ સુધીમાં દ. આફ્રિકાની બીજી ઈનિંગ 36.5 ઓવરમાં 176 રનમાં સમેટાઈ ગઈ હતી. માક્રમે 103 બોલમાં 106 રન કર્યા હતા, જેમાંથી પહેલા 50 રન 68 બોલમાં કર્યા હતા, પણ સામે છેડે વિકેટો પડતી રહેતા પછી તેણે આક્રમક રમત દ્વારા 35 બોલમાં બાકીના 56 રન કર્યા હતા. પહેલા 50 રનમાં તેના 8 ચોગ્ગા હતા, તો પછીના 56 રનમાં તેણે વધુ 9 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
ભારત તરફથી 13.5 ઓવરમાં 61 રન આપી છ વિકેટ અને એકંદરે મેચમાં કુલ 8 વિકેટ લીધી હતી, તો મુકેશ કુમારને બે તથા સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાને 1-1 વિકેટ મળી હતી. ભારતે વિજય માટે 79 રન કરવાનો ટાર્ગેટ હતો, તે ત્રણ વિકેટ ગુમાવી 12 ઓવરમાં જ 80 રન કર્યા હતા. યશસ્વી જયસ્વાલે 23 બોલમાં 28 રન કર્યા હતા, તો સુકાની રોહિત શર્મા 16 રને અણનમ રહ્યો હતો. મોહમદ સિરાજને પ્લેયર ઓફ ધી મેચ તથા ડીન એલ્ગરને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયા હતા.
કેપટાઉનમાં ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવનારો ભારત એશિયાનો પહેલો દેશ બન્યો છે. એ ઉપરાંત, પ્રથમ દિવસે 23 વિકેટ પડી તે પણ બીજા ક્રમનો રેકોર્ડ બન્યો છે.