ભારતે ગયા સપ્તાહે પુરી થયેલી અફઘાનિસ્તાન સામેની ઘરઆંગણેની ત્રણ ટી-20 મેચની સીરીઝની ત્રીજી અને છેલ્લી ટી-20માં બુધવારે (17 જાન્યુઆરી) રાત્રે બેંગલુરૂમાં બે સુપર ઓવર પછી અફઘાનિસ્તાનને 10 રને હરાવ્યું હતું. આ મેચ રોમાંચક તો હતી જ, સાથે સાથે થોડી વિવાદાસ્પદ પણ બની હતી.
પહેલી સુપર ઓવરમાં છેલ્લો બોલ બાકી હતો ત્યારે રોહિત શર્માએ નિવૃત્તિ જાહેર કરી હતી. પણ મેચ ફરી ટાઈ થતાં બીજી સુપર ઓવરનો નિર્ણય લેવાયો હતો અને રોહિત શર્મા ફરી બેટિંગ કરવા ઉતર્યો હતો. એ અગાઉ પહેલી સુપર ઓવરમાં અફઘાનિસ્તાનની બેટિંગ વખતે વિકેટકીપરનો થ્રો બેટર નજીબને અથડાયા પછી અફઘાન બેટર વધુ બે રન દોડ્યા ત્યારે એ રનની યોગ્યતા સામે રોહિત શર્માએ આક્રોશભર્યો સવાલ કર્યો હતો.
એકંદરે ભારત બીજી સુપર ઓવર પછી 10 રને વિજેતા રહ્યું હતું. પહેલા ભારતની બેટિંગમાં ટીમે 11 રનમાં બે વિકેટ ગુમાવી દેતા ઓવર પુરી થઈ ગઈ હતી. જવાબમાં રવિ બિશ્નોઈની બોલિંગમાં અફઘાનિસ્તાને ફક્ત એક રનમાં જ બે વિકેટ ગુમાવી દેતાં ભારતનો વિજય થયો હતો. ટી-20 ઈન્ટરનેશનલ્સમાં બે સુપર ઓવર રમાયાનો પણ એ પહેલો કિસ્સો હતો.
રાબેતા મુજબની 20 ઓવર્સમાં ભારતે ખૂબજ કંગાળ શરૂઆત પછી ચાર વિકેટે 212 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો, જેમાં રોહિત શર્માએ 69 બોલમાં 8 છગ્ગા અને 11 ચોગ્ગા સાથે અણનમ 121 રનની આતશબાજી જેવી ઈનિંગ રમી હતી, તો રીંકુ સિંઘ પણ 39 બોલમાં 69 રન કરી અણનમ રહ્યો હતો. એ પહેલા 4.3 ઓવરમાં ભારતે ફક્ત 22 રન કરી ચાર વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલી અને સંજુ સેમસન ખાતુ ખોલાવ્યા વિના જ પહેલા બોલે આઉટ થયા હતા, તો યશસ્વી જયસ્વાલ ચાર અને શિવમ દુબે એક રન કરી વિદાય થયા હતા.
તેના જવાબમાં અફઘાનિસ્તાને પણ ત્રણ ખેલાડીઓની અડધી સદી તથા મોહમદ નબીના 16 બોલમાં 34 રન સાથે છ વિકેટે 212 રન કરતાં મેચ ટાઈ થઈ હતી. પ્રથમ સુપર ઓવરમાં અફઘાનિસ્તાને 16 રન કર્યા હતા, તો ભારતે પણ એટલા જ રન કર્યા હતા.
આ રીતે, એકંદરે ત્રીજી મેચમાં પણ વિજય સાથે ભારતે સીરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરી હતી અને રોહિત શર્મા પ્લેયર ઓફ ધી મેચ તથા શિવમ દુબે પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર થયા હતા.