યુવાન ઓપનર શુભમન ગિલની ધમાકેદાર બેવડી સદીની મદદથી ભારતે હૈદરાબાદ ખાતે બુધવાર, 18 જાન્યુઆરીએ રમાયેલી પ્રથમ વન-ડે ક્રિકેટ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 12 રને વિજય મેળવીને ત્રણ મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શુભમન ગિલના 208 રનની મદદથી ભારતે નિર્ધારીત 50 ઓવરમાં 8 વિકેટે 349 રનનો જંગી સ્કોર ખડો કર્યો હતો. આ વિશાળ સ્કોરનો પીછો કરતાં ન્યૂઝીલેન્ડની ટીમ 49.2 ઓવરમાં 337 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. ન્યૂઝિલેન્ડના બ્રાસવેલની 140 રનની તોફાની ઈનિંગ્સ એળે ગઈ હતી.
રોહિત શર્મા અને શુભમન ગિલની જોડી ઓપનિંગ 60 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત શર્મા 34 રન નોંધાવીને આઉટ થયા બાદ ભારતીય ટીમે ઉપરા ઉપરી વિકેટો ગુમાવી દીધી હતી. વિરાટ કોહલી આઠ અને ઈશાન કિશન પાંચ રન નોંધાવીને આઉટ થયા હતા. પરંતુ સામે છેડે શુભમન ગિલે એક છેડો જાળવી રાખ્યો હતો.
શુભમન ગિલે કારકિર્દીની પ્રથમ બેવડી સદી હતી. તેને 149 બોલમાં 19 ચોગ્ગા અને 9 સિક્સરની મદદથી 208 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવે 31, હાર્દિક પંડ્યાએ 28 અને વોશિંગ્ટન સુંદરે 12 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ માટે ડેરીલ મિચેલ અને હેન્રી શિપ્લેએ બે-બે વિકેટ ઝડપી હતી.
350 રનના લક્ષ્યાંકને પાર પાડવા માટે ન્યૂઝીલેન્ડના મિડલ ઓર્ડરના બેટર્સ પણ નિષ્ફળ રહ્યા હતા. ફિન એલન અને ડેવોન કોનવેની ઓપનિંગ જોડીએ 28 રનની ભાગીદારી નોંધાવી હતી. એલન 40 રન તથા કોનવે 10 રનો નોંધાવીને આઉટ થઈ ગયા હતા. જ્યારે હેન્રી નિકોલ્સે 18 અને ડેરીલ મિચેલે નવ રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન ટોમ લાથમ 24 અને ગ્લેન ફિલિપ્સ 11 રન નોંધાવીને આઉટ થયો હતો. ટીમે 131 રનના સ્કોર પર છ વિકેટ ગુમાવી દીધી હતી અને ટીમ ઈન્ડિયા આસાનીથી જીતી જશે તેવું લાગી રહ્યું હતું.
મિચેલ બ્રાસવેલ અને મિચેલ સેન્ટનરની જોડીએ ભારતીય ટીમને મજબૂત લડત આપી હતી. જેમાં બ્રાસવેલે તોફાની અંદાજમાં બેટિંગ કરતાં સદી ફટકારી હતી. તેણે 57 બોલમાં સદી ફટકારી દીધી હતી. બ્રાસવેલ અને સેન્ટનરે 162 રનની જંગી ભાગીદારી નોંધાવીને ટીમના વિજયની આશા જીવંત રાખી હતી. ન્યૂઝીલેન્ડને અંતિમ ઓવરમાં જીતવા માટે 20 રનની જરૂર હતી. જેમાં બ્રાસવેલે શાર્દૂલ ઠાકુરના પ્રથમ બોલ પર સિક્સર ફટકારીને ભારતીય ટીમના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. પરંતુ તે એલબીડબ્યુ આઉટ થતાં ટીમ ઓલ-આઉટ થઈ ગઈ હતી. બ્રાસવેલ 78 બોલમાં 12 ચોગ્ગા અને 10 સિક્સરની મદદથી 140 રનની ઈનિંગ્સ રમી હતી. ભારત માટે મોહમ્મદ સિરાજે ચાર, કુલદીપ યાદવ અને શાર્દૂલ ઠાકુરે બે-બે તથા મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ ઝડપી હતી.