દક્ષિણ ચીન સાગરમાં ચીન સાથે ફિલિપાઇન્સના સીમા વિવાદ વચ્ચે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે મંગળવારે જણાવ્યું હતું કે ભારત ફિલિપાઇન્સને તેના રાષ્ટ્રીય સાર્વભૌમત્વને જાળવી રાખવામાં મજબૂત સમર્થન આપે છે તથા સંરક્ષણ અને સુરક્ષા સહિત નવા ક્ષેત્રમાં સહકાર સાધવા માગે છે.
વિદેશ પ્રધાન જયશંકરના નિવેદન પછી ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દરિયાઇ વિવાદો સંબંધિત દેશો વચ્ચેના મુદ્દાઓ છે. ત્રાહિત પક્ષોને કોઈપણ રીતે દખલ કરવાનો કોઈ અધિકાર નથી. અમે સંબંધિત પક્ષોને દક્ષિણ ચીન સાગરના મુદ્દા પર તથ્યો અને સત્યનો સામનો કરવા તથા ચીનના પ્રાદેશિક સાર્વભૌમત્વ અને દરિયાઈ અધિકારો સન્માન કરવા અનુરોધ કરીએ છીએ.
ફિલિપાઇન્સના વિદેશ પ્રધાન એનરિક મનાલો સાથેની બેઠક પછી સંયુક્ત પત્રકાર પરિષદમાં જયશંકરે જણાવ્યું હતું કે વિશ્વ બદલાઈ રહ્યું છે, ત્યારે ભારત અને ફિલિપાઈન્સ જેવા દેશો ઉભરતી વૈશ્વિક વ્યવસ્થાને આકાર આપવા માટે વધુ નજીકથી સહકાર સાધે તે જરૂરી છે. દરેક દેશને પોતાનું રાષ્ટ્રીય સાર્વભૌમત્વ જાળવી રાખવાનો અધિકાર છે.
દક્ષિણ ચીન સાગરમાં ગતિવિધિ વચ્ચે ફિલિપાઇન્સ સાથે સંરક્ષણ સહયોગને વિસ્તૃત કરવાની ભારતની યોજના અંગેના સવાલના જવાબમાં જયશંકરે કહ્યું હતું કે તેને કોઈ ચોક્કસ સ્થિતિ સાથે લિન્ક કરવું જરૂરી નથી. પરંતુ આજે સ્વાભાવિક છે કે બે દેશો સહકારના વિવિધ નવા ક્ષેત્રો પર ધ્યાન આપશે અને ચોક્કસપણે સંરક્ષણ અને સુરક્ષા તેમનું એક ક્ષેત્ર છે.
ચીન દક્ષિણ ચીન સાગરના મોટા ભાગ વિસ્તાર પર દાવો કરે છે. ફિલિપાઈન્સ, વિયેતનામ, મલેશિયા, બ્રુનેઈ અને તાઈવાન તેનો વિરોધ કરે છે. ચીને સમગ્ર દક્ષિણ ચીન સાગરમાં સેંકડો કોસ્ટગાર્ડ જહાજો તૈનાત કર્યા છે. ફિલિપાઇનાન્સ તેનો વિરોધ કરી રહ્યું છે.