ભારતમાં જી-20 સમીટ પહેલા નવી દિલ્હીએ ભાગેડુ આર્થિક અપરાધીઓ સામે પગલાં લેવા માટે G-20 દેશોને નવ-પોઈન્ટનો એજન્ડા સૂચવ્યો છે,
એજન્ડામાં જણાવ્યું છે કે G-20ના તમામ સભ્ય દેશોએ ખાતરી કરવી જોઈએ કે કોઈ ભાગેડુ આર્થિક અપરાધી તેમના દેશમાં પ્રવેશ ન કરે અને સરળતાથી આશ્રય મેળવી ના શકે. ઉલ્લેખનીય છે કે 12 ઓગસ્ટના રોજ કોલકાતામાં G-20ની ભ્રષ્ટાચાર વિરોધી પ્રધાન સ્તરની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ સરકાર દ્વારા G20 દેશોને આપવામાં આવેલા દસ્તાવેજ અનુસાર, ભાગેડુ આર્થિક અપરાધીઓ સાથે વ્યવહાર કરવા માટે તેના સભ્ય દેશો વચ્ચે વધુ મજબૂત અને વધુ સક્રિય સહયોગ પર વિચાર કરવા માટે કહેવામાં આવ્યું હતું.
મોદી સરકારે તેના નવ-પોઈન્ટ એજન્ડામાં કહ્યું હતું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સંમેલન (UNCAC), સંયુક્ત રાષ્ટ્ર સંમેલન વિરૂદ્ધ ટ્રાન્સનેશનલ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (UNOTC) અને આંતરરાષ્ટ્રીય સહયોગથી સંબંધિત સિદ્ધાંતોને અસરકારક રીતે લાગુ કરવા જોઈએ. ભારત સરકારે સૂચન કર્યું છે કે પ્રત્યાર્પણના સફળ કેસ અને તેની કાનૂની સહાય સહિતના અનુભવોની આપલે કરવા માટે એક સામાન્ય પ્લેટફોર્મની રચના કરવી જોઈએ.