ભારતના શેરબજાર BSEમાં લિસ્ટેડ કંપનીઓનુ માર્કેટ કેપ પ્રથમ વખત 21મેએ પાંચ ટ્રિલિયન ડોલરના આંકને વટાવી ગયું હતું. જોકે દિવસને અંતે માર્કેટકેપ આ સિમાચિહ્નથી થોડું નીચે બંધ આવ્યો હતો. અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગને પછી ભારત આ સીમાચિહ્ન હાંસલ કરનાર વિશ્વનું પાંચમું શેરબજાર બન્યું હતું. અમેરિકાના શેરબજારોનું કુલ માર્કેટકેપ આશરે 55.7 ટ્રિલિયન ડોલર, ચીનનું 9.4 ટ્રિલિયન ડોલર, જાપાનનુ 6.4 ટ્રિલિયન ડોલર, હોંગકોંગનું 5.5 ટ્રિલિયન ડોલર છે.
31 ડિસેમ્બરે બીએસઇનું માર્કેટ કેપ 364.29 લાખ કરોડ હતું. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી કુલ 633 અબજ ડોલર (રૂ. 50.24 લાખ કરોડ)નો વધારો છે. સ્મોલકેપ અને મીડકેપ ઈન્ડેક્સ રેકોર્ડ ટોચે પહોંચ્યા હતા. નવેમ્બર, 2021માં રૂ. 335.60 લાખ કરોડ (4 લાખ કરોડ ડોલર) થઈ હતી. ત્યાંથી રોકાણકારોની મૂડી છ માસમાં જ 1 લાખ કરોડ ડોલર (રૂ. 78.85 લાખ કરોડ) વધી છે.
બીએસઈની માર્કેટ કેપ નવેમ્બર, 2023માં જ 4 લાખ કરોડ ડોલરે પહોંચી હતી. જ્યાંથી 5 લાખ કરોડ ડોલરે પહોંચતાં માત્ર છ માસનો સમય થયો છે. મે, 2007માં પ્રથમ વખત બીએસઈ માર્કેટ કેપ 1 લાખ કરોડ ડોલરની સપાટી ક્રોસ કરી હતી. ત્યારથી 2 લાખ કરોડ ડોલર (જુલાઈ, 2017) થતાં તેને 10 વર્ષ લાગ્યા હતા. મે, 2021માં 3 લાખ કરોડ ડોલર નોંધાયા બાદ અઢી વર્ષે 4 લાખ કરોડ ડોલરનું લેવલ ક્રોસ કર્યુ હતું.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ભારતનું માર્કેટ કેપિટાઈઝેશન આ વર્ષે 12 ટકા વધ્યું છે. જ્યારે અમેરિકન સ્ટોક એક્સચેન્જનું માર્કેટ કેપ 10 ટકા અને હોંગકોંગનું એક્સચેન્જ 16 ટકા વધ્યું છે. જે ભારતનું સ્ટોક માર્કેટ ઉભરતા બજારોમાં મોખરે હોવાનું દર્શાવે છે. વૃદ્ધિની દ્રષ્ટિએ ભારતીય સ્ટોક એક્સચેન્જ ઝડપથી વિકસી રહ્યા છે.