14 જુલાઈ, 2023 ના રોજ ડોમિનિકાના રોઝ્યુમાં વિન્ડસર પાર્ક ખાતે વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચેની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે જીત્યા બાદ યશસ્વી જયસ્વાલ (એલ) અને ભારતના રવિચંદ્રન અશ્વિન (આર) સ્ટમ્પ સાથે. (Photo by Randy Brooks / AFP) (Photo by RANDY BROOKS/AFP via Getty Images)

ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં પ્રથમ ટેસ્ટ મેચમાં એક ઈનિંગ અને 141 રને રેકોર્ડ વિજય હાંસલ કર્યો હતો. કેરેબિયન ટીમનો ત્રીજા જ દિવસે નામોશીભર્યો પરાજય થયો હતો.

ભારત તરફથી નવોદિત ઓપનર યશસ્વી જયસ્વાલ અને સુકાની રોહિત શર્માએ સદી, તો વિરાટ કોહલીએ અડધી સદી કરી હતી, જ્યારે રવિચન્દ્રન અશ્વિને અસાધારણ વેધક બોલિંગ સાથે મેચમાં કુલ 12 વિકેટ લીધી હતી. જયસ્વાલને તેના શાનદાર ટેસ્ટ ડેબ્યુ, રેકોર્ડ 171 રનની ઈનિંગ બદલ મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. 

વેસ્ટ ઈન્ડિઝના સુકાનીએ ટોસ જીતી પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો, પણ ટીમના બેટર્સ ખાસ કઈં પ્રભાવશાળી દેખાવ કરી શક્યા નહોતા. ટીમ 65મી ઓવરમાં ફ્કત 150 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. એલિક અથાનાઝે 47 રન સાથે સર્વોચ્ચ સ્કોરર રહ્યો હતો, તો ભારત તરફથી અશ્વિને પાંચ અને જાડેજાએ ત્રણ વિકેટ લીધી હતી. 

જવાબમાં ભારત તરફથી ઓપનર્સ જયસ્વાલ અને સુકાની રોહિત શર્માએ પહેલી વિકેટની ભાગીદારીમાં જ 229 રન ખડકી દીધા હતા અને ભારત માટે મજબૂત સરસાઈનો પાયો નાખ્યો હતો. જયસ્વાલે 171, રોહિત શર્માએ 103 અને વિરાટ કોહલીએ 76 રન કર્યા હતા, તો જાડેજાએ અણનમ 37 કર્યા હતા. ભારતે પાંચ વિકેટે 421 રન કરી ઈનિંગ ડિકલેર કરી દીધી હતી. 

બીજી ઈનિંગમાં તો વેસ્ટ ઈન્ડિઝે પહેલી ઈનિંગ કરતાં ય કંગાળ દેખાવ કર્યો હતો અને 51મી ઓવરમાં જ ફક્ત 130 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અથાનાઝે ફરી 28 રન સાથે ટોપ સ્કોરર રહ્યો હતો. ભારત તરફથી અશ્વિને સાત અને જાડેજાએ બે વિકેટ લીધી હતી.   

LEAVE A REPLY