ભારતે એશિયા કપ ક્રિકેટની સુપર ફોર મેચમાં સોમવારે કોલંબો ખાતે પાકિસ્તાનને 228 રને હરાવી સૌથી મોટા તફાવત સાથે વિજયનો એક નવો રેકોર્ડ કર્યો હતો. વરસાદના વિઘ્નના કારણે રવિવારે અધુરી રહેલી મેચ સોમવારે પણ થોડી મોડી શરૂ થઈ હતી, પણ એ પછી કોઈ વિક્ષેપ વિના પુરી થઈ હતી.
ભારતે બેટિંગ અને બોલિંગ, બન્નેમાં શાનદાર દેખાવ સાથે પાકિસ્તાનની ટીમને સર્વાંગી પરાજયનો સ્વાદ ચખાડ્યો હતો. પાકિસ્તાને ટોસ જીતી ભારતને પહેલા બેટિંગમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો. રવિવારે ભારતના ઓપનર્સ – સુકાની રોહિત શર્મા અને શુભમન ગિલે પાકિસ્તાની બોલર્સ ઉપર વર્ચસ્વ જમાવ્યું હતું અને ઓપનિંગ ભાગીદારીમાં 16.4 ઓવર્સમાં 121 રન કર્યા હતા. બન્નેએ અડધી સદી કરી હતી અને પછી ઉપરાઉપરી બે ઓવરમાં બન્ને આઉટ થયા હતા. એ પછી આવેલા કે. એલ. રાહુલ અને વિરાટ કોહલીએ સોમવારે ધીમી પણ મક્કમ બેટિંગ સાથે ઈનિંગ આગળ ધપાવી હતી અને સ્કોરિંગ રેટ 7થી વધુ હતો તે ઘટીને 6 સુધી આવી ગયો હતો. એ પછી વરસાદનું વિઘ્ન આવતા મેચ 24.1 ઓવરમાં ભારતનો સ્કોર બે વિકેટે 147 રન થયો ત્યારે મેચ અટકી હતી અને લાંબા વિક્ષેપ પછી અમ્પાયર્સે બાકીની મેચ સોમવારે આગળ રમવાનો નિર્ણય લીધો હતો. એ તબક્કે રાહુલ 17 અને કોહલી 8 રને રમતમાં હતા.
સોમવારે પણ મેચ થોડી મોડી શરૂ થઈ હતી પણ પછી કોહલી અને રાહુલ – બન્નેએ અણનમ સદીઓ ફટકારી હતી. એકંદરે ભારતે ફક્ત બે વિકેટે 356 રનનો વિરાટ સ્કોર ખડકી દીધો હતો. પાકિસ્તાનના શાહીન આફ્રિદી તથા શાદાબ ખાનને એક-એક વિકેટ મળી હતી, તો આફ્રિદી 10 ઓવરમાં 79 રન આપી સૌથી મોંઘો રહ્યો હતો.
જવાબમાં પાકિસ્તાનની ટીમ 32 ઓવરમાં 8 વિકેટ ગુમાવી ફક્ત 128 રન કરી શકી હતી. તેના બે ઈજાગ્રસ્ત ખેલાડીઓ બેટિંગ કરવા આવી શક્યા નહોતા અને એ રીતે તેની ઈનિંગ 8 વિકેટે જ પુરી થઈ ગઈ હતી. ઓપનર ફખર ઝમાનના 27 અને આગા સલમાન તથા ઈફતીખાર એહમદના 23-23 રન મુખ્ય રહ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે 8 ઓવરમાં 25 રન આપી પાંચ વિકેટ ખેરવી હતી. વાસ્તવમાં તો પાકિસ્તાનની પહેલી ત્રણ વિકેટ બુમરાહ, હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરે લીધી એ પછી કુલદીપ યાદવને બોલિંગ અપાઈ હતી અને ત્યારથી એણે બીજા કોઈને તક આપ્યા વિના છેલ્લા પાંચેય શિકાર પોતે ઝડપી લીધા હતા.
રેકોર્ડ સદી બદલ વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. કોહલીએ આ ઈનિંગમાં એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ભારતના જ સચિન તેંડુલકરનો વન-ડે રેકોર્ડ તોડી કોહલીએ ફક્ત 267 ઈનિંગમાં સૌથી ઝડપી 13000 રનનો રેકોર્ડ કર્યો હતો. વિશ્વ ક્રિકેટમાં હવે કોહલી પહેલા ક્રમે, તેંડુલકરે 321 ઈનિંગમાં 13000 રન કર્યા હતા.
એશિયા કપની ગયા સપ્તાહની મેચના પરિણામ
તારીખ ટીમ અને સ્કોર્સ સ્થળ પરિણામ
04-09 નેપાલ–230 ઓલઆઉટ કેન્ડી ભારતનો 10 વિકેટે વિજય (ડકવર્થ લુઈસ)
ભારત–147 વિના વિકેટે
05-09 શ્રીલંકા – 8 વિકેટે 291 લાહોર શ્રીલંકાનો બે રને વિજય
અફઘાનિસ્તાન–289 ઓલઆઉટ
06-09 બાંગ્લાદેશ – 193 ઓલઆઉટ લાહોર પાકિસ્તાનનો 7 વિકેટે વિજય
પાકિસ્તાન – 3 વિકેટે 194
09-09 શ્રીલંકા – 9 વિકેટે 257 કોલંબો શ્રીલંકાનો 21 રને વિજય
બાંગ્લાદેશ – 236 ઓલઆઉટ