ભારતની ક્રિકેટ ટીમે શ્રીલંકાનો વન-ડે શ્રેણીમાં 3-0થી વ્હાઈટવોશ કર્યો પછી ન્યૂઝિલેન્ડ સામેની વન-ડે સિરિઝ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. ભારતે ન્યૂઝીલેન્ડ સામે શનિવારે રાયપુરમાં રમાયેલી બીજી વન-ડેમાં શાનદાર દેખાવ કરતા આઠ વિકેટે જીતીને શ્રેણી 2-0થી પોતાના નામે કરી હતી. ભારતે આ સાથે જ ઘરઆંગણે સતત સાતમી દ્વિપક્ષીય સિરીઝ જીતીને અગાઉનો પોતાનો રેકોર્ડ તોડ્યો હતો. ભારતે અગાઉ 2016-18 અને 2009-11માં સળંગ છ દ્નિપશ્રીય સિરીઝ જીતી હતી.
આ ઉપરાંત ન્યૂઝીલેન્ડ સામેની બીજી વન-ડે જીતવા સાથે ચાલુ વર્ષમાં ભારત સળંગ પાંચ વન-ડેમાં અજેય રહ્યું હતું. ભારત સામે ન્યૂઝીલેન્ડની ટીમે ત્રીજો સર્વોચ્ચ ઓછો સ્કોર નોંધાવવાનો શરમજનક રેકોર્ડ નોંધાવ્યો હતો. રાયપુરમાં સૌપ્રથમ આંતરાષ્ટ્રીય વન-ડે મેચનું આયોજન શનિવરે કરાયું હતું. ભારતે પ્રથમ વન-ડેમાં ન્યૂઝીલેન્ડ સામે 12 રને દિલધડક જીત મેળવી હતી. ત્યારબાદ બીજી વન-ડે એકતરફી બની રહી હતી. ભારતીય બોલર્સના દમદાર દેખાવની મદદથી ન્યૂઝીલેન્ડની ટીમે એક તબક્કે 15 રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. પ્રથમ બેટિંગનું આમંત્રણ મળતા કિવી ટીમ 34.3 ઓવરમાં 108 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતીય ટીમે 20.1 ઓવરમાં બે વિકેટે ટાર્ગેટ પાર કરી લેતા બીજી વન-ડેમાં આઠ વિકેટે શાનદાર જીત મેળવી હતી. ભારતે આ સાથે જ ન્યૂઝીલેન્ડ સામે વન-ડે શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી હતી.
ભારત તરફથી રોહિત શર્માએ અડધી સદી ફટકારી હતી. શુભમન ગિલ 40 રન કરીન અણનમ રહ્યો હતો. કોહલીએ 11 રન કર્યા હતા. ઈશાન કિશન આઠ રન કરીને અણનમ રહ્યો હતો. ભારતીય બોલર્સે ઝંઝાવાતી બોલિંગ કરી હતી અને કિવી ટીમના ટોચના બેટ્સમેનોને આઉટ કર્યા હતા. મેન ઓફ ધ મેચ મોહમ્મદ શમીએ છ ઓવરમાં એક મેઈનડ નાંખી હતી અને 18 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ પણ એક અદભુત રિટર્ન કેચ પકડીને કુલ બે વિકેટ મેળવી હતી. ન્યૂઝીલેન્ડે ભારત સામે સૌથી ઓછા 15 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવવાનો શરમજનક રેકોર્ડ પણ કર્યો હતો. ભારતે ચાલુ વર્ષે સતત બે વન-ડે શ્રેણી જીતીને વર્લ્ડ કપ માટે પોતાની તૈયારીઓનો પરચો આપ્યો હતો. અગાઉ ભારતે શ્રીલંકાનો વન-ડે શ્રેણીમાં 3-0થી વ્હાઈટવોશ કર્યો હતો.