AP/PTI
અમેરિકામાં ન્યૂયોર્કની અસમાન બાઉન્સ ધરાવતી વિકેટ ઉપર રવિવારે (09 જુન) વરસાદના વિધ્ન પછી ભારતે લગભગ એક તરફી બની ગયેલા ટી-20 વર્લ્ડ કપના ઉત્તેજનાસભર જંગમાં પાકિસ્તાનને છ રને હરાવી સનસનાટી મચાવી દીધી હતી. પાકિસ્તાનના સુકાની બાબર આઝમે ટોસ જીતી ભારતને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું.
ભારતીય બેટિંગે સારી શરૂઆત કર્યા પછી ભારે ધબડકો વાળ્યો હતો અને ભારતે 10 ઓવરમાં ત્રણ વિકેટે 81 રનનો સંતોષકારક કહી શકાય તેવો સ્કોર કર્યા પછી 12મી ઓવરમાં સૂર્યકુમાર યાદવની વિકેટ 89 રને ગુમાવી હતી અને ત્યારથી ભારતના રકાસનો આરંભ થયો હતો. ટીમે ફક્ત 30 રન ઉમેરતાં બાકીની છ વિકેટ પણ ગુમાવી દીધી હતી અને પુરી 20 ઓવર પણ રમી શકી નહોતી. આ રીતે એકંદરે 19 ઓવરમાં ફક્ત 119 રનમાં ભારતીય ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
વિકેટકીપર બેટર ઋષભ પંતે સૌથી વધુ 42 અને અક્ષર પટેલે 20 રન કર્યા હતા. ભારતના 8 બેટર બે આંકડાના સ્કોરે પહોંચી શક્યા નહોતા અને પાકિસ્તાનની નબળી ફિલ્ડીંગમાં ત્રણ કેચ ડ્રોપ થતાં જીવતદાન મળ્યા છતાં ભારત ફક્ત 119 રન કરી શક્યું હતું. પાકિસ્તાન તરફથી નસીમ શાહ અને હરીસ રઉફે 3-3 વિકેટ લીધી હતી, તો આમિરે બે અને આફ્રિદીએ એક વિકેટ લીધી હતી.
એ પછી પાકિસ્તાનની ઈનિંગનો પણ આરંભ તો થોડો સારો રહ્યો હતો, પણ 15મી ઓવરમાં બુમરાહે ફરી આવી તરખાટ મચાવ્યો હતો અને છેલ્લી ઓવરમાં અર્શદીપે ફક્ત 11 રન આપી ભારતનો અસંભવ લાગતો વિજય સંભવ બનાવ્યો હતો. પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં 18 રનની જરૂર હતી, પણ તે સાત વિકેટે ફક્ત 113 રન સુધી પહોંચી શક્યું હતું અને ભારતનો છ રને વિજય થયો હતો.
ટી-20 વર્લ્ડ કપમાં ભારતે 119 રનનો સૌથી ઓછો સ્કોર ડીફેન્ડ કરી પાકિસ્તાનને ભારે આંચકો આપ્યો હતો. અમેરિકા સામે અપસેટ પરાજય પછી પાકિસ્તાનના આ સતત બીજા પરાજયે ટીમને લગભગ સ્પર્ધામાંથી બહાર કરી દેવાના ઉંબરે લાવી મુકી દીધી છે. પાકિસ્તાન તરફથી ઓપનર રીઝવાને સૌથી વધુ 31, એ પછી ઈમાદ વસિમે 15, ત્રણ બેટરે 13-13 રન કર્યા હતા.
ભારત તરફથી જસપ્રીત બુમરાહે ચાર ઓવરમાં ફક્ત 14 રન આપી ત્રણ વિકેટ ખેરવી હતી, તો હાર્દિક પંડ્યાએ ચાર ઓવરમાં 24 રન આપી બે વિકેટ લીધી હતી. અક્ષર પટેલે બે ઓવરમાં 11 રન આપી તથા અર્શદીપે ચાર ઓવરમાં 31 રન આપી એક-એક વિકેટ લીધી હતી, તો સિરાજ અને જાડેજા એકપણ વિકેટ નહોતા લઈ શક્યા, પણ પાકિસ્તાને બેટર્સને બાંધી રાખ્યા હતા. બુમરાહને તેની રીઝવાન, બાબર તથા ઈફતેખારની અમૂલ્ય વિકેટ બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

LEAVE A REPLY