અમેરિકા, ચીન અને યુનાઇટેડ આરબ અમીરાતમાં ઓછી માંગને કારણે 2023/24માં ભારતની કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ એક વર્ષ અગાઉની સરખામણીમાં 27.5% ઘટીને $15.97 બિલિયન થઇ હતી.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ સોમવારે જણાવ્યું હતું કે નિકાસમાં ઘટાડાને કારણે રફ હીરાની આયાત એક વર્ષ અગાઉની સરખામણીએ 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં 18% ઘટીને 14.27 અબજ ડોલર થઈ હતી. નિકાસની ઓછી માંગના પગલે ઉદ્યોગે સ્વૈચ્છિક રીતે રફ ડાયમંડની આયાત 15 ઓક્ટોબર, 2023થી બે મહિના માટે સ્થગિત કરી દીધી હતી.
GJEPCના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે, રફ ડાયમંડની આયાતને સ્થગિત કરવાથી માંગ-પુરવઠાના અસંતુલનને દૂર કરવામાં મદદ મળી હતી, જેના કારણે માર્ચ ક્વાર્ટરમાં પોલિશ્ડ હીરાના ભાવ પર હકારાત્મક અસર જોવા મળી હતી. GJEPC ભારત સહિત યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન, મિડલ ઇસ્ટમાં ડાયમંડ અને ડાયમંડ જ્વેલરીના સામાન્ય પ્રમોશનને વધારવા માટે રોકાણ વધારવા વૈશ્વિક હીરા માઇનર્સ સાથે ચર્ચા કરી રહી છે.
વિપુલ શાહે જણાવ્યું હતું કે, ભારત અને UAE વચ્ચે થયેલા વ્યાપક આર્થિક ભાગીદારી કરારને કારણે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં શિપમેન્ટ બમણા કરતાં વધુ થવાને કારણે 2023/24માં ભારતની પ્લેન ગોલ્ડ જ્વેલરીની નિકાસ લગભગ 62% વધીને $6.79 બિલિયન થઈ છે.