રવિવારે અમદાવાદમાં વર્લ્ડ કપ ટુર્નામેન્ટ પુરી થઈ તેમાં ભારતનો ઝડપી બોલર મોહમ્મદ શામી સૌથી વધુ સફળ, વધુ ઘાતક બોલર તરીકે નિવડ્યો હતો. તેની સફળતા વધુ મહત્ત્વની એ દ્રષ્ટિએ બની રહે છે કે, સ્પર્ધાની પહેલી ચાર મેચમાં તો તે રમ્યો જ નહોતો. અને પાંચમી મેચમાં તેણે શરૂઆતથી જ જબરજસ્ત તરખાટ મચાવ્યો હતો.
શામીએ ટુર્નામેન્ટમાં કુલ સાત મેચમાં જ 24 વિકેટ ઝડપી હતી, જેમાં 57 રનમાં સાત વિકેટ તેનો શ્રેષ્ઠ દેખાવ રહ્યો હતો. શામીએ ત્રણ મેચમાં તો પાંચ-પાંચ વિકેટ ખેરવી હતી, જ્યારે એક મેચમાં ચાર વિકેટ લીધી હતી. શામી અત્યારસુધીમાં કુલ 18 વર્લ્ડ કપ મેચ રમ્યો છે, જેમાં તેણે 55 વિકેટ લીધી છે. આ રીતે, તેણે અગાઉના વર્લ્ડ કપમાં મળીને ચાર વખત પાંચ-પાંચ વિકેટ લીધી છે, જે એક રેકોર્ડ છે.
વર્લ્ડ કપ 2023માં શામી પછી ઓસ્ટ્રેલિયાના એડમ ઝામ્પાએ 11 મેચમાં 23, શ્રીલંકાના દિલશાન મધુશંકાએ 9 મેચમાં 21, ભારતના જસપ્રીત બુમરાહે 11 મેચમાં 20, સાઉથ આફ્રિકાના જેરાલ્ડ કોએટ્ઝે 8 મેચમાં 20, પાકિસ્તાનના શાહિન આફ્રિદીએ 9 મેચમાં 18, સાઉથ આફ્રિકાના માર્કો યાન્સેને 9 મેચમાં 17, ભારતના રવીન્દ્ર જાડેજાએ 11 મેચમાં 16, ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડે 11 મેચમાં 16 અને ન્યૂઝીલેન્ડના મિચેલ સેન્ટનરે 10 મેચમાં 16 વિકેટ લીધી હતી.
આ ઉપરાંત, મોહમ્મદ શામીએ ન્યૂઝીલેન્ડ સામેની સેમિ-ફાઈનલમાં ત્રીજી વિકેટ લઈને વર્લ્ડ કપમાં પોતાની 50 વિકેટ પૂરી કરી હતી. તે માત્ર 17 ઇનિંગ્સમાં આ માઈલસ્ટોન સુધી પહોંચ્યો હતો, જે ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી ઝડપી છે. ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કનો રેકોર્ડ શામીએ તોડ્યો હતો. સ્ટાર્કે 19 ઇનિંગ્સમાં 50 વિકેટ લીધી હતી.